અમદાવાદમાં ધો.10ના વિદ્યાર્થીની હત્યા મામલે વાલીઓમાં આક્રોશ, પ્રિન્સિપાલ-સ્ટાફને માર્યા

August 20, 2025

અમદાવાદ : અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે, બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ શાળામાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને શાળામાં ભારે તોડફોડ કરી હતી. 

મળતી માહિતી મુજબ, ગઈકાલે બનેલી હત્યાની ઘટના બાદ વિદ્યાર્થી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતો. જોકે, બુધવારે (20 ઓગસ્ટ) વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના મોત બાદ પરિવાર અને સમાજ રોષે ભરાયો હતો અને શાળામાં જઈને તોડફોડ કરી હતી. પરિવાર અને સિંધી સમાજ શાળામાં ઘુસી ગયા હતા અને પ્રિન્સિપાલ અને શાળાના શિક્ષકો સાથે ઝપાઝપપી કરી હતી તેમજ શાળામાં રહેલી વસ્તુઓની પણ તોડફોડ કરી હતી. આ સિવાય ટોળાઓ દ્વારા શિક્ષકો અને પ્રિન્સિપાલને માર મારવામાં આવ્યો હતો.

આ સિવાય શાળાએ આવેલા ટોળાઓ દ્વારા ન્યાય આપોના બેનર સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમજ પરિવાર દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીના મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તેમજ વિરોધ કરી રહેલા લોકોએ રસ્તા પર બેસી ન્યાય માટે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. વાલીઓ દ્વારા રોડ પર બેસી જઈ રસ્તા રોકવામાં આવી રહ્યા છે.

આ મુદ્દે શાળાના એડમિન મયુરિકા પટેલે કહ્યું કે, અમે બાળક આરોપી સામે પગલાં લીધા જ હતા. આ પહેલાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પણ પગલાં લેવાયા હતા. આ ઘટના શાળાની બહાર રોડ પર બની હતી, જે વિશે અમને જાણ પણ નથી. અમે આરોપી બાળક સામે એક્શન લઇશું અને તેને એલસી આપી દઇશું. બાળક શાળામાં છરી લઈને નહતો આવ્યો તેણે બહાર ગાડીમાં રાખી હતી અને શાળાની બહાર આખીય ઘટના બની છે.