ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી, PM મોદીએ વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી

September 27, 2025

સુરત : નવરાત્રિ દરમિયાન ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતને તેની પહેલી અમૃત ભારત એક્સ્પ્રેસ ટ્રેન મળી રહી છે. જે સુરતના ઉધનાથી ઓડિશાના બહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ દરમિયાન રેલ મંત્રી સુરતના ઉધના રેલવે સ્ટેશન હાજર રહ્યા હતા. આ ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય એ તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 

સુરત રેલવે સ્ટેશન પર અમૃત ભારત ટ્રેનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સંપૂર્ણ અવ્યવસ્થા જોવા મળી હતી, જેના કારણે ભારે ઘર્ષણ સર્જાયું હતું. ભાજપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓની મોટી હાજરીએ પરિસ્થિતિને વધુ વણસાવી હતી. આ પ્રસંગે સ્કૂલના બાળકોને પણ રેલવે સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા. જોકે, અવ્યવસ્થા ચરમસીમાએ ત્યારે પહોંચી જ્યારે રેલવે અધિકારીઓ દ્વારા કવરેજ માટે બોલાવાયેલા મીડિયા કર્મચારીઓ માટેની જગ્યા પર ભાજપના કાર્યકર્તાઓ અને ઓડિયા સમાજના લોકો બેસી ગયા હતા, જેના કારણે મીડિયા કર્મચારીઓ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ અવ્યવસ્થાને કાબૂમાં લેવામાં રેલવે પોલીસ સંપૂર્ણપણે અસફળ રહી હતી, અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગેરવ્યવસ્થાનો માહોલ છવાયેલો રહ્યો હતો.