ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં

September 27, 2025

દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે વહેલી સવારે 45 મિનિટના ગાળામાં જ વાંસદા અને વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં વાંસદામાં 1.6 જ્યારે વલસાડમાં 2.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. બંનેની તીવ્રતા ભલે ઓછી હતી પણ છેલ્લા કેટલાક સમયમાં ભૂકંપના આંચકાના વધેલા પ્રમાણે ચિંતા ચોક્કસ વધારી છે. સપ્ટેમ્બરના 26 દિવસમાં જ ગુજરાતમાં ભૂકંપના 50 જેટલા આંચકા નોંધાઇ ચૂક્યા છે. 

ગુજરાતમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં 50 સહિત આ વર્ષે કુલ 54 આંચકા આવ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં એક જ વર્ષમાં નોંધાયેલા સૌથી વધુ આંચકા છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ 22  આંચકા સૌરાષ્ટ્ર, 20 આંચકા દક્ષિણ ગુજરાત, પાંચ આંચકા કચ્છ જ્યારે 3 આંચકા ઉત્તર ગુજરાતમાં નોંધાયા છે. નિષ્ણાતોના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંચકાનાં કારણો અલગ છે. આ પ્રદેશો દખ્ખણના ઉચ્ચ પ્રદેશનું વિસ્તરણ છે અને દખ્ખણ એક સ્થિર વિસ્તારો છે, તેથી દક્ષિણ ગુજરાત પણ એકંદરે સ્થિર પ્રદેશ છે. પરંતુ અહીં ચોમાસા પછી, જમીનની તિરાડોમાં વરસાદનું પાણી નીચે ઊતરે છે અને તેથી પૃથ્વીના પેટાળમાં દબાણ વધે છે. જ્યારે ભૂગર્ભ દબાણને બહારની તરફ છોડે છે, ત્યારે તે ભૂકંપ મારફતે બહાર આવે છે.