આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

September 29, 2025

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે. આ આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.નવરાત્રિમાં વરસાદ થતાં ખેલૈયા અને આયોજકો મુંજાયા છે. 

તો બીજી તરફ હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે (29 સપ્ટેમ્બર) યોજાનારી BSC, BCA અને BBAની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મોકૂફ રખાયેલી પરીક્ષાઓની નવી તારીખો યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

આ ઉપરાંત, આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સોમવારે (29 સપ્ટેમ્બર) અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.