પાકિસ્તાનમાં ધોળા દિવસે હિંદુ ડૉકટરનું અપહરણ કરવામાં આવ્યું

July 24, 2024

ફરી એકવાર પાકિસ્તાનમાં હિંદુ સમુદાયના વ્યકિત સાથે ખરાબ વર્તન થયાનું સામે આવ્યું છે. પાકિસ્તાનમાં આતંકવાદ, હત્યા, લૂંટ જેવી ઘટનાઓ સામાન્ય છે આ સિવાય સૌથી વધુ ખરાબ ઘટનાઓ જો બનતી હોય તો તે હિંદુ સમુયાદ સાથે છે. પાકિસ્તાન સરકાર લઘુમતીઓની સુરક્ષા કરવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. દેશની નવી શાહબાઝ સરકાર પણ લઘુમતીઓની સુરક્ષા માટે કોઈ વિશેષ પગલું નથી લઈ રહી. પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતના મિરપુરખાસમાં ધોળા દિવસે એક હિંદુ ડૉકટરનું અપહરણ કર્યાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, પાડોશી દેશમાં ધાર્મિક લઘુમતીઓ પર સતત કહેર વર્તાઈ રહ્યો છે. ક્યારેક સગીરા સાથે બળજબરીથી લગ્ન તો ક્યારેક હિંદુ સમુદાયની વ્યકિતનું જાહેરમાં ખૂન આવી ઘટનાઓ પાકિસ્તાનમાં સામાન્ય બનતી જઈ રહી છે. વાત જાણે એમ છે કે, ઘાતક હથિયારો સાથે આવેલા છ શખ્સોએ ડૉકટર ભુરોમલ ઠાકોર કોહલીના ઘરે આવ્યા અને તબીબના ભાઈ પ્રકાશ અંગે પૂછવા લાગ્યા હતા. જો કે ઘરે પ્રકાશને શોધવામાં આવ્યો પરંતુ ન મળતા આ શખ્સોએ તેના વિશે પૂછપરછ કરી બાદમાં તબીબના ઘરના સભ્યો સાથે મારામારી કરીને ડૉકટર ભુરોમલનું અપહણ કરી ગયા હતા.