સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ

October 14, 2025

સુરત : સુરતની વિશેષ કોર્ટે પોક્સો એક્ટ હેઠળના એક ગંભીર કેસમાં ઐતિહાસિક અને ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે. નવા કાયદા હેઠળ શહેરમાં નોંધાયેલા બળાત્કારના આ પ્રથમ કેસમાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની એટલે કે આજીવન કેદની સખત સજા ફટકારી છે. આ ગુનો ડીંડોલી પોલીસ સ્ટેશનમાં 2 જુલાઈ, 2024ના રોજ નોંધાયો હતો, જેમાં પાંચ વર્ષની બાળકી ભોગ બની હતી.

આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામી (ઉંમર-37 વર્ષ, રહે. નવાગામ, ડીંડોલી) બાળકીના પડોશમાં રહેતો હતો અને તેના પરિવારથી સારી રીતે પરિચિત હતો. પીડિત બાળકીના માતા-પિતા નોકરી-ધંધા પર જતા હોવાથી તે તેના દાદા-દાદી સાથે રહેતી હતી. આરોપી સુરેશે

આ પરિચયનો લાભ લઈને 5 વર્ષની બાળકીને બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.ગંભીર ગુનાની જાણ થતા જ સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી હતી અને કેસમાં ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત પોલીસે આ કેસમાં સમયસર મજબૂત પુરાવા એકઠા કરીને ઝડપી કાર્યવાહીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. પોલીસે કુલ 25 જેટલા સાક્ષીઓની તપાસ કરી અને માત્ર 16 દિવસના ટૂંકા ગાળામાં જ તપાસ પૂર્ણ કરીને 240 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.

કોર્ટમાં રજૂ કરાયેલા તમામ પુરાવાઓ, સાક્ષીઓ અને સરકારી વકીલની ધારદાર દલીલોના આધારે, નામદાર કોર્ટે આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામીને તકસીરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને આજીવન કેદની (જીવનના અંતિમ શ્વાસ સુધી) સજા ફટકારી છે.

આ ઉપરાંત, પોક્સો એક્ટની કલમો હેઠળ પણ રૂ. 10,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટના આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળવાની સાથે સમાજમાં પણ મજબૂત સંદેશો પહોંચાડાયો છે.