ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરનો રજત જયંતિ મહોત્સવ, સોનાની પાઘડી પહેરાવીને મુખ્યમંત્રીનું સન્માન

January 20, 2025

પાટણ જિલ્લાના ચાણસ્મા ગામમાં આવેલા પ્રાચીન ગોગા મહારાજ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ પ્રસંગે ઉજવાઈ રહ્યો છે. 17મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ ધાર્મિક પ્રંસગની પૂર્ણાહુતિ પ્રસંગે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોનાની પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાટણના ચાણસ્મા ખાતે ગોગ મહારાજના મંદિરના રજત જયંતિ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું બહુ લાંબા સમય બાદ ચાણસ્મા આવવાનું થયું છે. આ ખૂબ મહત્વનો ધાર્મિક પ્રસંગ છે, કારણ કે આપણા આ જ પ્રસંગો બધાને ભેગા કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે વિકાસની સાથે વિરાસતને સાચવી ખૂબ જરૂરી છે. વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે વિરાસત સાચવવા માટેના કાર્યક્રમ પણ કરવા જોઈએ. આ પ્રસંગે સૌ સાથે મળીને આગળ વધીએ. દેશ તેમજ રાજ્યની પ્રગતિ માટે કામ કરી વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપીએ.