'કમલમ્'માં ફિયાસ્કો થયો તો ક્ષત્રિય સંમેલનમાં જનસૈલાબ કેવી રીતે ઉમટયો

April 16, 2024

કેન્દ્રીય મંત્રી પુરષોતમ રુપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સંમેલનમાં જનસેલાબ ઉમટતા સરકાર વિચારમાં મૂકાઇ છે. એટલુ જ નહીં, કમલમના ઘેરાવનો ફિયાસ્કો થયો હતો જયારે રાજકોટમાં સંમેલનમાં લાખોની જનમેદની ઉમટી પડી હતી. આ મામલે ભાજપ મોવડીમંડળે અને સરકારે માહિતી માંગી છે. 
ક્ષત્રિય સંમેલનના મુખ્ય કર્તાહર્તા કોણ, ફંડિગ કોણે કર્યું, પડદા પાછળ કોણ?? રાજકોટમાં ક્ષત્રિય સંમેલન પર સરકાર જ નહીં, ભાજપ મોવડી મંડળે પણ ચાંપતી નજર રાખી હતી. સંમેલનમાં   કાઠી,ગુર્જર,કારડિયા સહિત અન્ય ક્ષત્રિયો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. રૂપાલાની ટિકિટ રદ કરોની માગ સાથે એકમંચ પર હાજર રહી ક્ષત્રિયોએ શક્તિ પ્રદર્શન કરતાં ભાજપની ચિંતામાં વધારો થયો છે. ભાજ મોવડી મંડળ જ નહીં, સરકાર પણ વિચારમાં છેકે, કમલમના ઘેરાવ મુદ્દે ક્ષત્રિયો બે ફાડચામાં વહેચાયો હતો. જયારે રાજકોટમાં લાખોની સંખ્યામાં એકત્ર થઇ એક મંચ પર આવતાં સરકારને ભીતિ છેકે, આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ જોતાં રાજ્ય સરકારે આઇબી પાસેથી વિગતો માંગી છે. સાથે સાથે ભાજપ મોવડી મંડળે સ્થાનિક નેતાઓ પાસેથી વિગતો એકત્ર કરવાનુ શરૂ કર્યુ છે.
ક્ષત્રિય સંમેલનના મુખ્ય કર્તાહર્તા કોણ હતાં?   સમગ્ર સંમેલનમાં ફંડિગ કોણે કર્યું ? કોઇ અધિકારીઓની ભૂમિકા છેકે નહીં ? લાખોની જનમેદની કેવી રીતે એકત્ર કરાઇ? આ ઉપરાંત રાજકોટ સ્થિત ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના અસંતુષ્ટોની પડદા પાછળની ભૂમિકા શું રહી છે તે મુદ્દે વિગતો મેળવાઇ રહી છે. સરકારને સંદેહ છેકે, ક્ષત્રિય સંમેલનમાં જનસેલાબ ઉમટી પડયો હતો એ સ્વયંભૂ ભીડ હતી કે પછી અસંતુષ્ટોનો હાથ હતો. ભાજપને ઘેરવા માટે અસંતુષ્ટો પણ મેદાને પડયા છે ત્યારે મોવડીમંડળને ચિંતા છેકે, જો આજ સ્થિતી રહી તો, ચૂંટણી પ્રચાર કરવો મુશ્કેલ બનશે. ભલે ક્ષત્રિય મતદારો ભાજપના ઉમેદવારને હરાવી શકે તેમ નથી પણ જીતના માર્જીનમાં જરૂરથી ફરક પાડી શકે તેમ છે. ભાજપને એવી પણ ડર સતાવી રહ્યો છેકે, જો રૂપાલાની ટિકિટ રદ નહી કરવામાં આવે તો ક્ષત્રિય મતદારો જે ભાજપની મજબૂત વોટબેન્ક ગણાય છે તે સરકીને કોંગ્રેસ તરફ જઇ શકે છે. આમ, ભાજપ મોવડીમંડળ અને રાજ્ય સરકાર કોઇપણ ભોગે ક્ષત્રિયોને મનાવવા એડીચોટીનું જોર લગાવશે તે નક્કી છે.