'હું જીવતો છું, પણ દરરોજ મરું છું', એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક આપવીતી

November 04, 2025

ગત 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા પેસેન્જર વિશ્વાસ કુમાર રમેશે પોતાને જીવતા બચવા બદલ ભાગ્યશાળી ગણાવ્યા છે, પરંતુ સાથે જ કહ્યું કે આ ત્રાસદી બાદ તેઓ હજુ પણ ગંભીર માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થઈ રહ્યા છે. લંડન જઈ રહેલી AI-171 ફ્લાઈટના કાટમાળમાંથી જીવતા બહાર નીકળેલા વિશ્વાસ કુમારે જણાવ્યું કે તેઓ હવે એકલા રહે છે અને પોતાની પત્ની તથા પુત્ર સાથે પણ વાત કરતા નથી. વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે આ દુર્ઘટનામાં તેમનો નાનો ભાઈ અજય, જે તેમનાથી થોડીક જ સીટ દૂર બેઠો હતો, તેનું પણ મૃત્યુ થયું છે. આંખોમાં આંસુ સાથે રમેશે કહ્યું, 'હું એકલો જ જીવતો બચ્યો છું, હજુ પણ વિશ્વાસ થતો નથી. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. મારો ભાઈ મારી કરોડરજ્જુ હતો, તેણે હંમેશા મારો સાથ આપ્યો, અને હવે હું બિલકુલ એકલો પડી ગયો છું.'
તેમણે કહ્યું કે તેઓ પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) સામે ઝઝૂમી રહ્યા છે, પરંતુ ભારતથી પરત ફર્યા બાદ હજુ સુધી તેમનો ઈલાજ શરૂ થયો નથી. મારા અને મારા પરિવાર માટે આ બધું ખૂબ મુશ્કેલ છે. મારી માતા આખો દિવસ દરવાજા બહાર બેસી રહે છે, કોઈની સાથે વાત કરતી નથી. હું પોતે પણ કોઈની સાથે વાત કરવા માંગતો નથી. દરરોજ દર્દમાંથી પસાર થઉં છું.' તેમણે જણાવ્યું કે વિમાનના તૂટેલા ભાગમાંથી સીટ 11A પરથી બહાર નીકળતી વખતે તેમને પગ, ખભા, ઘૂંટણ અને પીઠમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે તેઓ હવે ન તો કામ કરી શકે છે કે ન તો ગાડી ચલાવી શકે છે.  તેઓ ખૂબ ધીમે ધીમે ચાલે છે અને તેમની પત્ની તેમને સહારો આપે છે.