T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ! બાંગ્લાદેશને આપ્યો પ્લાન B

January 12, 2026

T-20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે માત્ર ત્રણ અઠવાડિયાનો જ સમય બાકી છે, જો કે બાંગ્લાદેશ મેચના સ્થળ અંગે સતત આનાકાની કરી રહ્યું છે. જેના કારણે હાલ ભારે અસમંજસ અને તણાવની સ્થિતિ પેદા થઈ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે વેન્યુ અંગે ખેંચતાણ એટલી હદ સુધી પહોંચી છે કે સમગ્ર ટુર્નામેન્ટ ડિપ્લોમેટિક અને લોજિસ્ટિક વિવાદોમાં ફસાઇ ગઇ છે.  સુરક્ષા ચિંતાઓ અને ભારત બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા રાજનીતિક ટેન્શનનુ બહાનું કરીને બીસીબીએ અગાઉ આઇસીસીને પત્ર લખીને અપીલ કરી હતી કે, બાંગ્લાદેશની તમામ ગ્રૂપ મેચોને ભારતના બદલે શ્રીલંકામાં રમાડવાનું આયોજન કરવામાં આવે. જો કે આઇસીસીએ આ માંગને અયોગ્ય ઠેરવી હતી. આઇસીસીએ કહ્યું કે, 'ટુર્નામેન્ટ ખૂબ જ નજીકના સમયમાં આયોજીત થવાની છે અને છેલ્લી ઘડીએ ફેરફાર ન માત્ર બ્રોડકસ્ટ  પ્લાનિંગને પ્રભાવિત કરશે પરંતુ ટિકિટિંગ, ગ્રાઉન્ડ મેનેજમેન્ટ અને યાત્રા સંબંધિત તૈયારી પર પણ ગંભીર અસર પેદા કરશે.  મીડિયા રિપોર્ટ અનુસાર, આઇસીપીએ શ્રીલંકાના વિકલ્પને મહત્ત્વ નથી આપ્યું પરંતુ બીસીસીઆઈની સાથે મળીને ભારતની અંદર જ વૈકલ્પિક શહેરો શોધવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેના પગલે ચેન્નાઇ અને તિરુવનંતપુરમને બેકઅપ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) અને કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA)ને સંકેત આપવામાં આવ્યો છે કે, જરૂર પડ્યે તેઓ મેચ આયોજિત કરી શકે તે પ્રકારે તૈયાર રહે. ચેન્નાઇનું ચેપોક સ્ટેડિયમ પહેલા જ સાત વર્લ્ડ કપ મેચનું વેન્યુ છે અને TNCA અધિકારીઓએ આઇસીસીને આશ્વસ્ત કર્યા છે કે, આઠ પિચ ઉપલબ્ધ હોવાના કારણે વધારે મેચનું આયોજન શક્ય છે.  બીજી તરફ BCBના વલણ ત્યારે પણ વધારે કડક બન્યું જ્યારે BCCI દ્વારા આઇપીએલ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવા માટેનો આદેશ આપ્યો. આ નિર્ણય બાદ મામલો માત્ર સુરક્ષા સુધી સીમિત રહ્યો નહીં. બાંગ્લાદેશ દ્વારા આઇપીએલના પ્રસારણ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. જે 2008થી અત્યાર સુધીમાં પહેલીવાર છે.