બંગાળમાં આજે રમખાણો થશે તો તેના માટે ભાજપ જવાબદાર : મમતા

April 17, 2024

નવી દિલ્હી : મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર રાજ્યમાં અધિકારીઓની ટ્રાન્સફરમાં દખલ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે કોઈપણ રમખાણો થશે તો તેના માટે ભાજપ જવાબદાર હશે. ભ્રષ્ટાચાર મુદ્દે મમતા બેનરજીએ પીએમ મોદીને દર્પણ જોઈ લેવાનું કહેતા ઉમેર્યું કે તેમના પક્ષમાં ડાકુઓ ભર્યા છે. દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડને દુનિયાની સૌથી મોટી ખંડણી વસૂલી યોજના ગણાવી હતી. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળો દ્વારા કરાઈ રહેલી ભ્રષ્ટાચાર સંબંધિત તપાસ પર શ્વેતપત્ર જાહેર કરવાની માગ કરતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે કહ્યું કે, તેમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવનારા વડાપ્રધાન મોદી પોતે પહેલાં દર્પણ જોઈ લે. તેમનો પક્ષ તો ડાકુઓથી ભરેલો છે. જલપાઈ ગુડી જિલ્લાના મોઈનાગુડીમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા મમતાએ કહ્યું કે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ જ ભાજપ સામે લડે છે જ્યારે માર્ક્સવાદી કમ્યુનિટી પાર્ટી અને કોંગ્રેસ તેની સાથે મળીને કામ કરી રહ્યા છે. ભાજપે બંગાળમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે અંદાજે ૩૦૦ કેન્દ્રીય ટીમો મોકલી હતી, પરંતુ તેમને કશું જ મળ્યું નહીં. હવે વડાપ્રધાન મોદીને બંગાળની જનતાને જવાબ આપવો પડશે કે મનરેગાના ભંડોળનું શું થયું? ગરીબ લોકોએ યોજના હેઠળ કામ કર્યું પરંતુ તેમને ચૂકવણી થઈ નહીં.  કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડનો મુદ્દો ઉઠાવતા દાવો કર્યો કે ચૂંટણી બોન્ડ યોજના દુનિયાની સૌથી મોટી બળજબરીથી વસુલી યોજના છે અને તેની પાછળ પીએમ મોદી માસ્ટરમાઈન્ડ છે. તેમણે ઉમેર્યુ ંકે, ચૂંટણી બોન્ડમાં નામ અને તારીખ મહત્વપૂર્ણ છે. જે કંપનીઓએ ચૂંટણી બોન્ડ આપ્યા તેમને ત્યાર પછી ક્યાં તો સરકારી કોન્ટ્રાક્ટ અપાયા છે અથવા તેમના વિરુદ્ધની સીબીઆઈ તપાસ પાછી ખેંચી લેવાઈ છે. પીએમ મોદી આ મુદ્દે ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા છે. દરમિયાન સચિન પાયલટે કહ્યું હતું કે, દેશના મુખ્ય વિપક્ષ કોંગ્રેસના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા ત્યારે ચૂંટણી પંચે મૌન સેવી લીધું હતું. ભાજપ સરકાર વિકાસના મોરચે નિષ્ફળ રહેતા ધાર્મિક મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન ખેંચવા માગે છે.