શેરબજારમાં ચૂંટણીના પરિણામોની અસર, સેન્સેક્સમાં 954 પોઇન્ટનો જોરદાર ઉછાળો, નિફ્ટીએ સર્જ્યો રેકોર્ડ

December 04, 2023

રવિવારે આવેલા ચાર રાજ્યોના ચૂંટણી પરિણામોની અસર બજાર પર જોવા મળી છે અને પ્રી-ઓપન સેશનમાં જ શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ (BSE સેન્સેક્સ) 954 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE નિફ્ટી) પણ 334 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. પહેલાથી જ નિષ્ણાતો આશા વ્યક્ત કરી રહ્યા હતા કે ત્રણ રાજ્યોમાં ભાજપની જંગી જીતની અસર શેરબજારમાં જોવા મળી શકે છે.

પ્રી-ઓપન સેશનમાં જોરદાર ઉછાળા બાદ ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક નિફ્ટી (NIFTY) સવારે 9.15 વાગ્યે નવા રેકોર્ડ ઊંચાઈએ 20,600ના સ્તરે ખુલી હતી. નિફ્ટી પર અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, એસબીઆઈ અને એલએન્ડટી કંપનીઓના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો.

શેરબજારમાં ચૂંટણીની અસરના સંકેતો પહેલેથી જ દેખાઈ રહ્યા હતા. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સેન્સેક્સ-નિફ્ટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 492.75 પોઈન્ટ એટલે કે 0.74% ના વધારા સાથે 67,481.19 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ, NIFTY-50 134.75 પોઈન્ટ એટલે કે 0.67%ના વધારા સાથે 20,267.90 ના સ્તર પર બંધ થઈ હતી.