આણંદમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ લોકોને ફંગોળ્યા

August 22, 2025

આણંદ :આણંદના વલાસણ નહેર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં વહેલી સવારે એક પૂરપાટ ઝડપે આવતી કારે અચાનક રસ્તા પર ઊભેલી વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોને કારની અડફેટે આવતા રસ્તા પરથી નાળામાં પડી ગયા હતા. હાલ, તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. કારચાલક અકસ્માત બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

મળતી માહિતી મુજબ, ગુરૂવારે (22 ઓગસ્ટ) આણંદના વલાસણ નહેર પાસે એક પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ જેટલા લોકોને અડફેટે લીધા હતા. આ લોકો પોતાની પંચર થયેલી કારને રોડની બાજુમાં ઊભા રહીને ટાયર બદલી રહ્યા હતા, ત્યારે એકાએક પાછળથી પૂરપાટ ઝડપે એક સ્વીફ્ટ કાર આવી અને ઊભેલી કાર સાથે અથડાઈ. આ સિવાય ત્યાં હાજર લોકોને પણ અડફેટે લીધા અને બાદમાં આરોપી ગાડી ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો.