વલસાડના ધરમપુરમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર, પારડીમાં 3 ઈંચથી વધુ ખાબક્યો

August 23, 2025

વલસાડ જિલ્લામાં આજે (23મી ઓગસ્ટ) વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ધરમપુર તાલુકોમાં ચાર કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકયો છે, જ્યારે પારડીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાય છે. ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારો જળબંબાકાર થયા હતા અને શહેરીજનોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદથી ધરમપુરની લાવરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદના કારણે  અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, ધરમપુરના મુખ્ય માર્ગો પર ગોઠણ સમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ ભારે વરસાદના વલસાડના મધુબન ડેમનું જળસ્તર વધીને 75.40 મીટરે પહોંચ્યું છે. ડેમમાં 21,222 ક્યુસેક પાણીની આવક થતાં રુલ લેવલ જાળવવા માટે 6 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. આ દ્વારા 17,712 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. 

હવામાંન વિભાગની આગાહી અનુસાર, 23 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. 

24 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.