ગુજરાતમાં 10 વર્ષમાં બટાટાનું ઉત્પાદન 12 લાખ મેટ્રિક ટન વધ્યું પણ ખેડૂતો ઠેરના ઠેર, કંપનીઓના કારણે નથી મળતો ભાવ

August 05, 2025

ગુજરાતમાં બટાટાનાં ઉત્પાદનમાં છેલ્લા 10 વર્ષમાં 1239769 મેટ્રિક ટનનો વધારો જોવા મળ્યો છે. પરંતુ તેની સામે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ઠેરના ઠેર રહ્યા છે. ખેડૂતો તેનું મૂળ કારણ કોન્ટ્રાકટ ફાર્મિંગ હોવાનું જણાવી રહ્યા છે. કારણકે, કોન્ટ્રાકટ ફાર્મિંગના વાવેતર તથા ઉત્પાદનમાં મોટો ઉછાળો નોંધાયો છે અને ઉત્પાદન વધતા ભાવમાં ઘટાડો થવાથી ખેડૂતો પીસાઈ રહ્યા છે. વિશ્વમાં બટાટાનું વાર્ષિક ઉત્પાદન 38.3 કરોડ મેટ્રિક ટન છે. ભારત 6 કરોડ મેટ્રિક ટનના ઉત્પાદન સાથે ચીન પછી બીજા ક્રમે છે. ભારતમાં ગુજરાતનું પ્રોડકશન નોંધપાત્ર છે. ગયા વર્ષે ગુજરાતે 48 લાખ મેટ્રિક ટન ઉત્પાદન કર્યું હતું, તેની સામે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા તેમની હાલત કફોડી બની છે. ગત વર્ષે બટાટાના 20 કિલોના 230થી 250નો ભાવ ખેડૂતોને મળ્યો હતો. તેની સામે આ વર્ષે ફક્ત 120થી 140 જેટલો જ ભાવ મળી રહ્યો છે.  ખેડૂતો જ્યારે વાવેતર કરે ત્યારે તેને વિશે 40,000 થી 45,000 હજારનો ખર્ચ થાય છે. તેની સામે ઉત્પાદન 30,000થી 35,000 હજારનું મળે છે. બીજી બાજુ દર વર્ષે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થયા કરે છે. ગત વર્ષે પ્રતિ કિલોએ આઠ માસનું ભાડુ 2.60 રૂપિયા હતું, ત્યારે આ વર્ષે 2.70 રૂપિયા ભાડુ કરવામાં આવ્યું છે. વધતા જતાં ભાડાના કારણે ખેડૂત કોલ્ડ સ્ટોરેજમાં બટાટા સંગ્રહ કરી શકતો નથી તેની સામે ઉત્પાદનમાં મોટા વધારાને કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપની દ્વારા બટાટા છૂટક માર્કેટમાં ઠાલવવામાં આવી રહ્યા છે. જેના કારણે ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કંપનીઓ છૂટક માર્કેટમાં પોતાના બટાટા વેચવાનું બંધ કરે તો ભાવમાં સુધારો આવી શકે છે.