મહીસાગરમાં અંધશ્રદ્ધાએ મહિલાનો જીવ લીધો, ભુવાજીએ આપેલું પાણી પીતાં બેભાન થઇ હતી

October 14, 2024

ખાનપુર : રાજ્યમાં સતત વધી રહેલા અંધશ્રદ્ધાના બનાવોને ડામવા માટે રાજ્ય સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં મૂક્યો છે. પરંતુ તેમછતાં હજુ આંતરિયાળ વિસ્તારોમાં ક્યારે ડાકણ હોવાનો વહેમ રાખી ભુવા પાસે વિધિ કરાવવા પહોંચી જતા હોય છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં જીવ ગુમાવવાની નોબત આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો મહિસાગરના મોટા ખાનપુરમાં અંધશ્રદ્ધાએ પરણિતાનો ભોગ લીધો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગરના મોટા ખાનપુરમાં એક 28 વર્ષીય પિન્કીબેન રાવળ નામની પરણિતા અંધશ્રદ્ધાનો ભોગ બની હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. વાત જાણે એમ છે કે પરણિતાને શરીરમાં દુખાવો થતો હોવાથી પરિવારજનો તેને હોસ્પિટલ લઇ જવાના બદલે સગા-સંબંધીઓના કહેવાથી ભુવા પાસે લઇ ગયા હતા. માલપુરના પીપરાણા પાસે ભુવાજી રહેતા હોવાથી પરણિતાને ત્યાં લઇ ગયા હતા. ત્યારબાદ ભુવાજીએ પરણિતાને આકડાં મૂળ પીવડાવતાં પરણિતાની તબિયત બગડી હતી અને બેભાન થઇ ગઇ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. 

પરણિતાની હાલ વધુ ખરાબ થતાં તેને સારવાર અર્થે પહેલાં મોડાસા લઇ જવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા અને પછી અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે પરણિતાનો જીવ બચી શક્યો ન હતો અને પરણિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.