રૂપાલા વિવાદમાં ક્ષત્રિયાણીઓએ મોરચો સંભાળ્યો, અમદાવાદમાં પ્રતીક ઉપવાસ

April 21, 2024

અમદાવાદ : પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયોનું હજુય વિરોધ પ્રદર્શન જારી છે. ભાજપે રૂપાલાનુ ફોર્મ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે જેના પગલે ક્ષત્રિયોએ ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન પાર્ટ-2નો આરંભ કર્યો છે. અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રાણીઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે.


રુપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિયોનો રોષ હજુય શાંત પડ્યો નથી. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા પછીય ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરવાના મતમાં નથી પરિણામે હવે ક્ષત્રિયો આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. શનિવારે  અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે 21 ક્ષત્રિય મહિલાઓએ પ્રતિક ઉપવાસ કરીને વિરોધ નોંધાવ્યો હતો.  ક્ષત્રિય કોર કમિટીના મતે, રોજ 21 મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. ગુજરાતમાં 7મીએ મતદાન યોજાનાર છે ત્યારે મતદાનના દિવસ સુધી મહિલાઓ પ્રતિક ઉપવાસ કરી ભાજપ સામે વિરોધ નોંધાવશે.
આ તરફ, ક્ષત્રિય કોર કમિટીએ ફરી આવતીકાલે અમદાવાદ સ્થિત રાજપૂત ભવન ખાતે એક બેઠક બોલાવી છે જેમાં માલધારી, કાઠી દરબાર, ઠાકોર સહિત અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. અન્ય સમાજે ક્ષત્રિયોને ટેકો જાહેર કર્યો છે ત્યારે ભાજપ સામે આ લડત લડવાની રણનિતી ઘડવામાં આવશે. આ ઉપરાંત તારીખ 24મીએ સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરૂધ્ધ જીલ્લાકક્ષાએ રથયાત્રા યોજાશે જેમાં ભાજપને મત નહી આપવાની અપીલ કરવામાં આવશે.