વડોદરાના યુનાઈટેડ વેમાં કાદવ-કીચડથી પરેશાન ખેલૈયાઓએ ગરબા બંધ કર્યા, આયોજકોની રિફંડની તૈયારી

September 23, 2025

નવરાત્રિના પહેલા નોરતે વડોદરાના યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડના પગલે ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવી ગરબા ગાવાનું બંધ કરી દીધું હતું. જેના પગલે આયોજકોએ પહેલા દિવસના રિફંડની જાહેરાત કરી હતી. વડોદરાના સૌથી મોટા ગરબામાં પહેલા દિવસે ખેલૈયાઆએે મન મૂકીને ગરબા રમવાનું શરૂ કર્યુ હતું. પહેલા સેશનમાં અંદાજે 25 હજાર યુવક -યુવતીઓ ગરબે ઘૂમ્યા હતા અને ગરબાની જમાવટ કરી હતી, પરંતુ બીજા સેશનમાં કેટલાક ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં કાદવ કીચડ હોવાની બૂમો પાડી હોબાળો મચાવ્યો હતો. 

મુખ્ય ગાયક અતુલ દાદા અને ગરબા ગાયક વૃંદને ટાર્ગેટ બનાવી કાદવ તેમના તરફ ફેંક્યો હતો. અતુલ દાદા સાથે કેટલાકે ગેરવર્તન કર્યુ હતું. અતુલ દાદાએ ખેલૈયાઓને સમજાવવાની કોશિષ કરી હતી, પરંતુ રિફંડ રિફંડના નારા લગાવીને ગરબા અટકાવી દીધા હતા. યુનાઈટેડ વેના આયોજકોએ પહેલા દિવસના રિફંડની જાહેરાત કરી હતી.