બે કલાકના વરસાદમાં આખું શહેર લકવાગ્રસ્ત થઈ જાય છે... ચીફ જસ્ટિસે કરી NHAIની ઝાટકણી

August 18, 2025

દિલ્હી : દિલ્હીમાં વરસાદ બાદ સર્જાતી સ્થિતિ પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની ઝાટકણી કરી હતી. આ મામલે ચાલતી સુનાવણીમાં તેમણે ટિપ્પણી કરી હતી કે, ‘તમે જાણો છો કે દિલ્હીમાં શું થાય છે. બે કલાક પણ વરસાદ પડે તો પણ આખું શહેર લકવાગ્રસ્ત બની જાય છે. ટ્રાફિક જામની સમસ્યા ગંભીર છે.’ કેરળ હાઈકોર્ટે હાઈવેની ખરાબ હાલતના કારણે ટોલ ટેક્સ વસૂલવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ચુકાદાને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેરળના એક હાઈવે પર 12 કલાક સુધી થયેલા ટ્રાફિક જામ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘જો કોઈ વ્યક્તિને એક બાજુથી બીજી બાજુ સુધી પહોંચવામાં 12 કલાકનો સમય લાગે, તો તે ટોલ કેમ ચૂકવે.’ આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ રસ્તાનો એક વીડિયો રજૂ કર્યો હતો. આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘ચોમાસામાં દરિયાકાંઠાના વિસ્તારની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે.’ તો આ કેસમાં હાજર એક વકીલે સુપ્રીમ કોર્ટના ઇ ગેટનો ઉલ્લેખ કર્યો હતો કે અહીં હંમેશા ટ્રાફિક રહે છે. વકીલોને કોર્ટ પહોંચવામાં એક કલાક લાગે છે.