કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાન ભારત કરશે, અમદાવાદમાં થશે આયોજન, સત્તાવાર જાહેરાત

November 26, 2025

અમદાવાદ : અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાશે, જેની હવે સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. ગ્લાસગો ,સ્કોટલેન્ડ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં આજે (26 નવેમ્બર)ના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત કરાઈ છે. જણાવી દઈએ કે, અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મેળવશે. આ પહેલા ભારતે 2010માં નવી દિલ્હીમાં ગેમ્સનું સફળ આયોજન થયું હતું. 

કોમનવેલ્થ ગેમ્સની એક્ઝીક્યુટિવ બોર્ડ દ્વારા અમદાવાદને યજમાની આપવાની ભલામણ માટેના અનેક કારણો આપ્યા છે. સમિતિએ વિવિધ માપદંડોના આધારે ઉમેદવાર શહેરોનું મૂલ્યાંકન કર્યું છે. આ મૂલ્યાંકનમાં ટેકનિકલ વ્યવસ્થા, ખેલાડીઓનો અનુભવ, માળખાગત સુવિધાઓ, તંત્ર અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચેના સંબંધોના આધારે આ નિર્ણય લેવાયો છે.

ભારતીય ઓલિમ્પિક ઍસોસિએશને (IOA) અગાઉ 13 ઑગસ્ટના રોજ સત્તાવાર ધોરણે કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. આઇઓએ દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ બિડને મંજૂરી આપવામાં આવી હતી.