ભારતની મોટી સિદ્ધિ, અમેરિકા-ફ્રાન્સ જેવા દેશોને પણ હથિયાર વેચ્યા, જાણો કોણે કરી સૌથી વધુ ખરીદી?

October 28, 2024

એક સમયે વિશ્વના મોટા દેશો પાસેથી હથિયારોની આયાત કરતા ભારતે હવે પોતાનું વલણ બદલ્યું છે. ભારત હવે માત્ર હથિયારોની આયાત જ ઘટાડી રહ્યું નથી પરંતુ મોટા પાયે નિકાસ પણ વધારી છે. ભારતે 2023-24માં ઘણાં દેશોને કુલ 21 હજાર કરોડ રૂપિયાના હથિયારો વેચ્યા છે. જેમાં અમેરિકા, ફ્રાન્સ અને આર્મેનિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. મહત્ત્વની વાત એ છે કે ભારત દાયકાઓથી અમેરિકા અને ફ્રાન્સ પાસેથી મોટા પાયા પર હથિયારોની ખરીદી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં આ દેશોને હથિયાર વેચવા એ એક નવી સિદ્ધિ હાંસલ કરવા સમાન છે. અહેવાલો અનુસાર, ભારતમાંથી હથિયારોનો સૌથી મોટો આયાત કરનાર દેશ આર્મેનિયા છે. અઝરબૈજાન સાથેના યુદ્ધમાં આર્મેનિયાએ ભારત પાસેથી મોટા પાયે હથિયારો ખરીદ્યા છે. આર્મેનિયાએ ભારત પાસેથી આકાશ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, પિનાકા મલ્ટી-લોન્ચ રોકેટ સિસ્ટમ અને 155 એમ.એમ આર્ટિલરી ગન ખરીદી છે.  ભારતની સરકારી અને ખાનગી હથિયાર કંપનીઓ વિશ્વના લગભગ 100 દેશોમાં નિકાસ કરે છે. આ ઉપરાંત, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, ડોર્નિયર-228 એરક્રાફ્ટ, આર્ટિલરી ગન, રડાર, આકાશ મિસાઇલ, પિનાકા રોકેટ અને આર્મર્ડ વાહનનો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, અમેરિકાએ ભારત પાસેથી સીધા કોઈ હથિયારો ખરીદ્યા નથી, પરંતુ કેટલાક કમ્પોનન્ટ જરૂર ખરીદ્યા છે. અમેરિકા અને ફ્રાન્સે ભારતમાંથી સૌથી વધુ સંરક્ષણ ઉપકરણોની આયાત કરી છે. આ દેશોએ ભારતીય સંરક્ષણ ઉદ્યોગના કેટલાક મહત્વપૂર્ણ ઉત્પાદનો જેમ કે હળવા કોમ્બેટ એરક્રાફ્ટ સાધનો, મિસાઈલ સિસ્ટમ્સ અને અન્ય સંરક્ષણ સાધનોમાં રસ દાખવ્યો છે. અમેરિકા, ફ્રાન્સ અને આર્મેનિયા ઉપરાંત અન્ય ઘણાં યુરોપિયન દેશો અને આફ્રિકાના કેટલાક દેશોએ પણ ભારતીય સંરક્ષણ સાધનોમાં રસ દાખવ્યો છે.