કેનેડાને ભારતે આપ્યો વળતો જવાબ, કહ્યું-કેનેડિયન રાજદ્વારી 5 દિવસમાં દેશ છોડે

September 19, 2023

કેનેડા અને ભારત વચ્ચે કડવાશ વધી રહી છે. કેનેડાના હુમલા બાદ હવે ભારતે વળતો પ્રહાર કર્યો છે. કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારી વિરુદ્ધ ભારત સરકારે મોટી કાર્યવાહી કરી છે. ભારતે કેનેડિયન રાજદ્વારીને 5 દિવસમાં દેશ છોડવા કહ્યું છે. કેનેડિયન રાજદ્વારી પર ભારતના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લાગ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજદ્વારીઓ પણ ભારત વિરોધી કાર્યવાહીમાં સામેલ હતા.

હકીકતમાં ભારતે કેનેડાના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું. ત્યાર બાદ ભારતે કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા અને કેનેડિયન હાઈ કમિશનરને આ નિર્ણય વિશે જાણ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંબંધિત રાજદ્વારીને આગામી 5 દિવસમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ છે. નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે કેનેડા સરકારે ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હાંકી કાઢ્યા હતા. આ વર્ષે 18 જૂને બ્રિટનમાં ગુરુદ્વારા સામે બાઇક પર આવેલા હુમલાખોરોએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.