રોકાણકારોનો ભારત પ્રત્યે વિશ્વાસ વધ્યો! 8 વર્ષમાં રોકાણમાં 65%નો જંગી વધારો, FDI પણ વધ્યું

August 07, 2023

નવી દિલ્હી : ભારત દેશની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચ નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ સાથે એવું અનુમાન પણ લાગવામાં આવી રહ્યું છે કે, વિકાસમાં થઇ રહેલા સતત વધારાથી 2027 સુધીમાં 5 ટ્રીલીયનનો લક્ષ્યાંકને હાંસલ કરી લઈશું અને વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા સ્થાને પહોંચી જશું. તેમાં મહત્વનો ફાળો દેશમાં થઇ રહેલા રોકાણનો છે.

દેશમાં 2014-15 થી 2022-23 વચ્ચે રોકાણ રૂ. 32,78,096 કરોડથી 65 ટકા વધીને રૂ. 54,34,691 કરોડ થવાની તૈયારીમાં છે. ભારતીય અર્થતંત્રમાં ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન દ્વારા દર્શાવ્યા મુજબ સરકાર અને ખાનગી ક્ષેત્ર એકસાથે અર્થતંત્રમાં રોકાણ કરે છે.

દેશમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે, સરકાર મૂડી ખર્ચ માટે રાજ્યોને વિશેષ સહાયની યોજના અને મૂડી રોકાણ માટે રાજ્યોને વિશેષ સહાયની યોજનાનો પણ અમલ કરે છે. કેન્દ્રએ સ્વાસ્થ્ય, શિક્ષણ, સિંચાઈ અને વીજળી જેવા ક્ષેત્રો સાથે સંબંધિત મૂડી પ્રોજેક્ટ સહિત મૂડી પ્રોજેક્ટ પર મૂડી ખર્ચ માટે 50 વર્ષની વ્યાજ-મુક્ત લોનના સ્વરૂપમાં વિશેષ સહાય મંજૂર કરી છે.

ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ 2014-15 થી સતત વધ્યું છે. 2014-15 અને 2021-22 વચ્ચેના છેલ્લા સાત નાણાકીય વર્ષોમાં, દેશમાં 443 અબજ ડોલરથી વધુનો FDIનો પ્રવાહ જોવા મળ્યો છે.