ગાઝામાં તબાહી, યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલે કર્યો હુમલો, 200ના મોત

March 18, 2025

ઇઝરાયલી વાયુસેનાએ ગાઝામાં મોટા હુમલા કર્યા છે. 17 જાન્યુઆરીએ યુદ્ધવિરામ શરૂ થયા પછીનો આ સૌથી મોટો હુમલો છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સવારે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં લગભગ 200 લોકો માર્યા ગયા છે. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, હમાસે યુદ્ધવિરામ લંબાવવાની અમેરિકાની ઓફરને નકારી કાઢ્યા બાદ ઇઝરાયલે ગાઝામાં હમાસ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી છે.

જાન્યુઆરીમાં યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી ગાઝામાં આ સૌથી ગંભીર હુમલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રોકેટ હુમલામાં ઘણા બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે. હવાઈ ​​હુમલા પછી, ઇઝરાયલી સેનાએ એમ પણ કહ્યું કે ગાઝામાં તેનું લશ્કરી ઓપરેશન હવાઈ હુમલાઓ ઉપરાંત ચાલુ રહેશે. ઇઝરાયલે કહ્યું કે જાન્યુઆરીમાં યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી આ પ્રદેશમાં આ સૌથી મોટો હુમલો છે.

બીજી તરફ, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમણે હુમલો કરવાનો આદેશ આપ્યો કારણ કે યુદ્ધવિરામ લંબાવવાની વાટાઘાટોમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું, "ઇઝરાયલ હવે લશ્કરી તાકાત વધારીને હમાસ સામે કાર્યવાહી કરશે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તે ગાઝામાં હમાસ કમાન્ડરોને મારવાનું ચાલુ રાખશે અને તેમના આતંકવાદી ઠેકાણાઓને પણ નિશાન બનાવશે. સેનાએ કહ્યું કે જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે અને ઓપરેશનને હવાઈ હુમલાઓથી આગળ વધારવામાં આવશે.