ઇઝરાયલના બોમ્બધડાકાઓથી ઇરાનનાં સૈન્ય મથકો ધણધણી ઊઠ્યાં

October 26, 2024

ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયલે 25 દિવસ બાદ જવાબી કાર્યવાહી કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ઈઝરાયલે 3 કલાકમાં 20 ઈરાનના ટાર્ગેટ પર હુમલો કર્યો. હુમલો સવારે 2:15 વાગ્યે (ઇઝરાયલ સમય મુજબ) શરૂ થયો હતો. 5 વાગ્યા સુધી હુમલા ચાલુ રહ્યા. જેમાં મિસાઈલ ફેક્ટરીઓ અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ઈરાન પર 2.30 (સ્થાનિક સમય) પર હુમલાની જાણકારી આપી હતી. (IDF પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઈઝરાયલ 1 ઓક્ટોબરના હુમલાના જવાબમાં ઈરાન પર હુમલો કરી રહ્યું છે. હગારીએ કહ્યું કે ઈરાન અને મધ્ય પૂર્વમાં તેના સહયોગી 7 ઓક્ટોબર, 2023થી ઈઝરાયલ પર 7 મોરચે હુમલો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈઝરાયલને પણ જવાબ આપવાનો અધિકાર છે. અમે ઇઝરાયલ અને અમારા લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે તે કરીશું.

ઈરાની મીડિયાના અહેવાલ મુજબ આ હુમલા તેહરાનના ઈમામ ખોમેની ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે થયા હતા. એર સ્ટ્રાઈક બાદ અમેરિકાએ ઈઝરાયલનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આ ઈરાનના હુમલાનો જવાબ છે.