ઇઝરાયલની સંસદે 4 દિવસના યુદ્ધવિરામને મંજૂરી આપી

November 22, 2023

દોહા  : ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઘણાં દિવસોથી ચાલી રહેલા યુદ્ધવિરામ કરારને ઇઝરાયલની સંસદે મંજૂરી આપી દીધી છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર સંસદે 50 બંધકોના બદલામાં 4 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

ઇઝરાયલના એક સરકારી અધિકારીએ જણાવ્યું કે જે બંધકોને મુક્ત કરવામાં આવશે તેમાં મોટાભાગના મહિલાઓ અને બાળકો હશે. તેઓને દરરોજ 12-13 બંધકોના સમૂહમાં મુક્ત કરવામાં આવશે. ઇઝરાયલ 10 બંધકોના દરેક જૂથને મુક્ત કરવાના બદલામાં એક દિવસીય યુદ્ધવિરામ લાદશે.

હિબ્રુ મીડિયા અનુસાર, હમાસ જે બંધકોને મુક્ત કરશે તેમાં 30 બાળકો, 12 મહિલાઓ અને 8 માતાઓનો સમાવેશ થાય છે. આ સિવાય ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે આ ડીલ હેઠળ ઇઝરાયલ 150 પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે. આમાં માત્ર મહિલાઓ અને બાળકોને જ પ્રાથમિકતા મળશે.

તે જ સમયે, હમાસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે કરાર હેઠળ, ઇઝરાયલ દક્ષિણ ગાઝા પર સર્વેલન્સ ડ્રોનની ઉડાન પણ 6 કલાક માટે બંધ કરશે. સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી આ ડ્રોન ઉત્તર ગાઝામાં જ ઉડાન ભરી શકશે.

આ પહેલા પીએમ નેતન્યાહુએ મોડી રાત્રે કેબિનેટની બેઠક યોજી હતી. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે હમાસ બંધકોને મુક્ત કરવા સંમત થાય તો પણ ઇઝરાયલ હમાસ સામે તેનું યુદ્ધ ચાલુ રાખશે. હમાસ ચીફ ઈસ્માઈલ હનીયે પણ રવિવારે યુદ્ધવિરામનો સંકેત આપ્યો હતો.

'જેરુસલેમ પોસ્ટ' દ્વારા મંગળવારે રાત્રે પ્રકાશિત અહેવાલ મુજબ, 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં માર્યા ગયેલા ઇઝરાયલના પરિવારોએ હમાસ સાથે કોઈપણ પ્રકારની ડીલનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. તેમની સંસ્થાએ એક નિવેદન બહાર પાડ્યું હતું. કહ્યું- બંધકોના બદલામાં આતંકવાદીઓને છોડવામાં આવશે તો તેમનો વિરોધ કરવામાં આવશે.

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે - જો આજે આપણે આતંકવાદીઓ સામે ઝૂકીએ છીએ અને તેમને છોડી દઈએ છીએ, તો શું ગેરંટી છે કે તેઓ ભવિષ્યમાં ફરીથી આપણને નિશાન બનાવશે નહીં. આ જ ભૂલ અગાઉ પણ કરવામાં આવી હતી અને હવે તેનું પુનરાવર્તન થવાની તૈયારીમાં છે. આતંકવાદીઓને કોઈપણ કિંમતે છોડવા જોઈએ નહીં.

'ન્યૂયોર્ક ટાઈમ્સ' અનુસાર, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામમાં તુર્કીની પણ મહત્ત્વની ભૂમિકા છે. ખુદ રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને આ વાતનો ખુલાસો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે- અમારા વિદેશ મંત્રી અને ઈન્ટેલિજન્સ ચીફ ઘણા દિવસોથી યુદ્ધવિરામ માટે કામ કરી રહ્યા છે. આમાં કતારની ભૂમિકા મહત્ત્વની છે.

એર્દોગને કહ્યું- ચાલો આશા રાખીએ કે આ સમસ્યાનો ઉકેલ મળી જશે જે પછીથી દરેકને શાંતિ આપશે. અમે ભવિષ્યમાં પણ આ મામલાને લગતા તમામ પક્ષકારો સાથે વાત કરવાનું ચાલુ રાખીશું.

સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં ગાઝાની માનવીય સ્થિતિ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન યુએનમાં ભારતના રાજદૂત રૂચિરા કંબોજે કહ્યું કે ભારતે હંમેશા સ્વતંત્ર પેલેસ્ટાઈનના નિર્માણને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે યુદ્ધને કારણે ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિને સુધારવા માટે ભારત વિશ્વમાં થઈ રહેલા તમામ પ્રયાસોની સાથે છે.

તે જ સમયે, હમાસ ચીફ ઈસ્માઈલ હનીયેએ કહ્યું છે કે તેઓ યુદ્ધવિરામને લઈને ડીલની ખૂબ નજીક પહોંચી ગયા છે. સમાચાર એજન્સી એએફપી અનુસાર, હનીયેએ કહ્યું છે કે અમે કતાર અને મધ્યસ્થતામાં સામેલ અન્ય પક્ષોને ડીલ અંગે અમારા જવાબો આપી દીધા છે. યુએસ અને કતારના અધિકારીઓએ પણ બંધક સોદાના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે.