જય-વીરૂની જોડી તૂટી! ધર્મેન્દ્રના નિધનથી બચ્ચન આઘાતમાં, ભાવુક પોસ્ટથી આપી શ્રદ્ધાંજલિ

November 25, 2025

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બરના રોજ નિધન થતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે. ધર્મેન્દ્રના જવાથી કલાકારો અને ચાહકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. આ દુઃખની ઘડીમાં તેમના ખાસ મિત્ર અને સહ-અભિનેતા અમિતાભ બચ્ચને પણ શોકમાં વ્યક્ત કર્યો છે. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કારમાં દીકરા અભિષેક બચ્ચન સાથે પહોંચેલા અમિતાભને પોતાના 'વીરુ'ને ગુમાવ્યા બાદ રાત્રે ઊંઘ આવી નહોતી. તેમણે મોડી રાત્રે પોતાના આ ખાસ મિત્રને યાદ કરીને એક ભાવુક પોસ્ટ શેર કરી છે, જેને વાંચીને દરેકની આંખો ભીની થઈ રહી છે. અમિતાભ બચ્ચને પોસ્ટમાં લખ્યું કે, 'એક વધુ મહાન હસ્તી આપણને છોડીને ચાલી ગઈ. અખાડો ખાલી થઈ ગયો અને તેમના જવાથી જે સન્નાટો પેદા થઈ ગયો છે, તે અસહ્ય છે. ધરમ જી મહાનતાનું પ્રતીક હતા, જેમને માત્ર તેમના દમદાર વ્યક્તિત્વ માટે જ નહીં, પણ તેમના વિશાળ હૃદય અને અદ્ભુત સાદગી માટે પણ યાદ કરવામાં આવશે.' બિગ બીએ આગળ લખ્યું કે, 'તેઓ પોતાની સાથે પંજાબના ગામની માટીની મહેક લઈને આવ્યા હતા અને જીવનભર તેની સાથે જોડાયેલા રહ્યા. પોતાની શાનદાર ફિલ્મી સફરમાં તેઓ હંમેશા બેદાગ રહ્યા, એવા સમયમાં જ્યારે દરેક દાયકામાં ઘણું બધું બદલાતું રહ્યું. તેમના જવાથી આપણી આસપાસની હવા જાણે હળવી પડી ગઈ છે. આ એક એવી શૂન્યતા છે, જે ક્યારેય ભરી શકાશે નહીં. ઢગલાબંધ પ્રાર્થનાઓ.' અમિતાભ બચ્ચનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. જણાવી દઈએ કે આ બંનેએ સાથે મળીને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર એવા દિગ્ગજ કલાકારોમાંથી એક હતા જેઓ આજે પણ ફિલ્મોની દુનિયામાં સક્રિય રહ્યા છે.