જામનગર લૂંટેરી દુલ્હન કેસ: યુવકને ફસાવનાર બે આરોપીની ધરપકડ

May 25, 2025

જામનગર : જામનગરમાં એક રિક્ષા ચાલક યુવાન સાથે લૂંટેરી દુલ્હને કરેલી છેતરપિંડીના ચકચારી પ્રકરણમાં પોલીસે કાર્યવાહી કરી છે. લગ્ન કરાવી આપનાર જામનગરના એક શખ્સ અને કાલાવડની એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને તેમની પાસેથી 30,000 રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા છે. જ્યારે દુલ્હન ફરાર થઈ ગઈ છે.
જામનગરના બેડી વિસ્તારમાં એકડે એક બાપુની દરગાહ પાસે રહેતા અને રિક્ષા ચલાવતા 39 વર્ષીય ખીમજીભાઈ બુધાભાઈ મકવાણા નામના યુવાન સાથે મહારાષ્ટ્રની એક યુવતીના લગ્ન કરાવી આપવા માટે 1.80 લાખ રૂપિયામાં સોદો થયો હતો. આ લગ્ન જામનગરમાં લાલખાણ વિસ્તારમાં રહેતા યુનુસભાઈ ગનીભાઈ મન્સૂરી અને કાલાવડના પંજેતન નગરમાં રહેતી મુમતાઝબેન અજીતભાઈ નામની મહિલાએ કરાવ્યા હતા. આ બંને વચેટિયાઓએ મહારાષ્ટ્રના અકોલાની રોહિણી મોહનભાઈ હિંગલે નામની યુવતી સાથે ખીમજીભાઈ મકવાણાના કોર્ટ મેરેજ કરાવી આપ્યા હતા. અને લગ્નના દિવસે જ રોહિણીને દોઢ લાખ રૂપિયા, જ્યારે મુમતાઝબેન અને યુનુસભાઈને 15-15 હજાર રૂપિયા એમ કુલ 30,000 રૂપિયા આપવામાં આવ્યા હતા.


લગ્ન બાદ દંપતી જામનગર પરત ફર્યું હતું. પરંતુ, 18મી તારીખે રોહિણી 50,000 રૂપિયામાં મંગળસૂત્ર લેવા માટે જામનગરના દરબારગઢ વિસ્તારમાં ખરીદી કરવાના બહાને ગઈ અને રફુચક્કર થઈ ગઈ હતી. આખરે, ખીમજીભાઈએ આ ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પ્રકરણમાં એ ડિવિઝનના સિટી પી.આઈ. એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઈ. ડી.જી. રામાનુજ તથા રાઈટર ભવ્યદીપસિંહ પરમાર સહિતના સ્ટાફે જામનગરના વચેટિયા આરોપી યુનુસભાઈ મન્સૂરી ઉપરાંત કાલાવડની મુમતાઝબેનને જામનગર બોલાવી અટકાયત કરી લીધી છે. બંને પાસેથી 15-15 હજાર મળી કુલ 30,000 રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસની ટીમે 'લૂંટેરી દુલ્હન' રોહિણીને શોધવા માટે તપાસનો દોર મહારાષ્ટ્ર સુધી લંબાવ્યો છે.