કેનેડાના હિન્દુ મંદિરમાં ખાલિસ્તાની સમર્થકોએ કરી તોડફોડ, કૃત્ય CCTVમાં કેદ

August 13, 2023

કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ શનિવારે મધ્યરાત્રિએ સરેમાં એક મંદિરમાં તોડફોડ કરી હતી અને ભારતીય સમુદાયમાં ડર પેદા કરવા મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુ પર જનમત સંગ્રહના પોસ્ટરો ચોંટાડ્યા હતા.

આરોપીનું આ કૃત્ય મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયું હતું. જેમાં બે લોકો મંદિરમાં આવતા જોવા મળે છે. બંનેએ પોતાના ચહેરા છુપાવ્યા છે. વાદળી પાઘડી પહેરેલ વ્યક્તિ મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની લોકમતના પોસ્ટર લગાવે છે અને ત્યાર બાદ બંને ત્યાંથી ભાગી જાય છે.

ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર જેના પોસ્ટર મંદિરની બહાર લગાવવામાં આવ્યા છે તેની આ વર્ષે 18 જૂને કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકાર દ્વારા નિયુક્ત આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી જેમાં હરદીપ નિજ્જરનું નામ સામેલ હતું.