કેનેડામાં ખાલીસ્તાની સમર્થકોએ જાહેર કર્યું નવું પોસ્ટર, ભારતને ફરી આપી ધમકી

August 01, 2023

નવા પોસ્ટરમાં ‘વોન્ટેડ’ શબ્દોનો ઉપયોગ કરી સમગ્ર સરે શહેરમાં વિવિધ સ્થળોએ લગાવાયા


નવા લગાવાયેલા પોસ્ટરમાં પણ અગ્રણી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ઉલ્લેખ


Upનવી દિલ્હી- ખાલિસ્તાન સમર્થકોએ ભારતના સ્વતંત્રતા દિવસ પર ભારતીય દૂતાવાસના ઘરોને ઘેરી લેવાની ધમકી આપતા પહેલા ફરી એકવાર પોસ્ટર બહાર પાડ્યું છે. આ પોસ્ટરમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવ્યા છે. નવા પોસ્ટરમાં ‘વોન્ટેડ’ શબ્દોનો ઉપયોગ કરી સમગ્ર સરે શહેરમાં વિવિધ સ્થળોએ લગાવાયા છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ ‘કીલ ઈન્ડિયા’ લખેલા પોસ્ટર લગાવાયા હતા, જે પાકિસ્તાની હેન્ડલ્સથી સોશિયલ મીડિયા પર વાયરલ કરાયા હતા. અલગતાવાદી જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા બ્રિટિશ કોલંબિયામાં નવા લગાવાયેલા પોસ્ટરમાં પણ અગ્રણી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ઉલ્લેખ કરાયો છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક સિંહ ગુરુદ્વારા સાહિબના પાર્કિંગમાં 18 જૂને હરદીપ નિજ્જરની હત્યા કરાઈ હતી, ત્યારબાદ SFJએ તેની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું.


હત્યાની તપાસ કરી રહેલી ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ અથવા ઈન્વેસ્ટિગેશન ટીમે (IHIT) હજુ સુધી હત્યારાઓએ કેમ હત્યા કરી, તેનું કોઈ કારણ જણાવ્યું નથી. આવા જ પોસ્ટરો ગત મહિને ગ્રેટર ટોરન્ટો એરિયા (જીટીએ)માં જુદાં જુદાં સ્થળોએ લગાવેલા જોવા મળ્યા હતા. સરે, બીસી સ્થિત ફ્રેન્ડ્સ ઓફ કેનેડા એન્ડ ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ મનિન્દર ગીલે જણાવ્યું કે, તેમની સંસ્થાએ ખાલિસ્તાનીઓ દ્વારા લગાવાયેલા પોસ્ટરોની નિંદા કરી છે.
નવા પોસ્ટરમાં પણ ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અપૂર્વ શ્રીવાસ્તવ પર ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે જુલાઈમાં જકાર્તામાં એસોસિયેશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN)ની બેઠક દરમિયાન કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી સાથેની મુલાકાત દરમિયાન ભારતીય રાજદ્વારીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.