ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન

April 12, 2025

ગુજરાતના જાણીતા ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે નિધન થયું. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા. 17 મે 1930 ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તે એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા. તેમણે ઈ.સ.1967માં અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે. કથક ક્ષેત્રે નવતર પ્રયોગોનો શ્રેય તેમના ફાળે જાય છે. 

કુમુદિની લાખિયાએ પહેલા જયપુર ઘરાનાના વિવિધ ગુરુઓ અને પછી શંભુ મહારાજ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ ખાસ કરીને તેમના બહુ-કલાકારો ધરાવતા (સામુહિક) કોરિયોગ્રાફી માટે જાણીતા હતા. તેમના સૌથી પ્રસિદ્ધ નિર્દેશન આ મુજબ છે: ધબકાર, યુગલ, અને અતહ કિમ (ક્યાં હવે?), જે તેમણે 1980માં દિલ્હીમાં વાર્ષિક કથક મહોત્સવ દરમ્યાન રજૂ કર્યા હતા.