પેગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસી કરવામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે

April 13, 2025

ઈઝરાયલની કંપની એનએસઓ ગ્રૂપના જાસૂસી માટે ઉપયોગમાં લેવાતા પેગાસસ સ્પાયવેર દ્વારા વિશ્વભરમાં જેમને પણ વોટ્સએપના માધ્યમથી નિશાન બનાવવામાં આવ્યા અને જાસૂસી કરવામાં આવી તેમાં ભારત બીજા ક્રમે છે. આ ખુલાસો તાજેતરમાં અમેરિકાની કોર્ટમાં રજુ કરેલા દસ્તાવેજો  જાહેર થતા સામે આવ્યો છે. વોટ્સએપ દ્વારા પેગાસસ સામે અમેરિકાની કોર્ટમાં જાસૂસી બદલ દાવો ઠોકવામાં આવ્યો હતો, જેના છ વર્ષ બાદ અંતે આ ખુલાસો થયો છે. ભારતમાં જ્યારે આ જાસૂસીકાંડ બહાર આવ્યો હતો ત્યારે દેશભરમાં વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને વિપક્ષના નેતાઓની જાસૂસી કરાવી હોવાના આરોપ થયા હતા.  
લોકોની જાસૂસી કરાવવા વિવિધ દેશોની સરકારોને જાસૂસી માટેના સ્પાયવેર પેગાસસને પુરા પાડતી ઈઝરાયલી કંપની એનએસઓ ગ્રૂપ સામે વર્ષ 2019માં વોટ્સએપની મેટા કંપની દ્વારા અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો.