લદ્દાખમાં '3 ઈડિયટ્સ' ફેમ સોનમ વાંગચુકની સંસ્થાની જમીન ફાળવણી રદ

August 23, 2025

લદ્દાખ પ્રશાસને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકની હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ લર્નિંગ (HIAL) નામની સંસ્થાને વર્ષ 2018માં 135 એકરની જમીન ફાળવી હતી. હવે પ્રશાસન દ્વારા આ ફાળવણી રદ કરવામાં આવી છે. શિક્ષણ સુધારક સોનમ વાંગચુક છેલ્લા ત્રણ વર્ષથી લદ્દાખમાં વિરોધ પ્રદર્શનોનું મુખ્ય ચહેરો રહ્યા છે. તાજેતરમાં, તેઓ આ વિસ્તાર માટે બંધારણીય સુરક્ષાની માંગણીને લઈને કારગિલમાં ત્રણ દિવસના ભૂખ હડતાળમાં પણ જોડાયા હતા. તેમજ વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો (કલમ 370) રદ કરવામાં આવ્યો અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો, ત્યારે અહીંના નાગરિક જૂથોએ પોતાની જમીન, સંસ્કૃતિ અને રોજગારના અવસરને બચાવવા માટે રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ (લદ્દાખ માટે આદિવાસી દરજ્જો) જેવી માંગણીઓ સાથે અનેક વખત વિરોધ પ્રદર્શન કર્યા છે. લેહના ડેપ્યુટી કમિશનર રોમિલ સિંહ ડોંક દ્વારા 21 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ લર્નિંગ (HIAL)ને ફાળવવામાં આવેલી 1076 કનાલ અને 1 મરલા (લગભગ 135 એકર) જમીન 'રાજ્ય એટલે કે LAHDC (લેહ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદ)ની છે અને લેહના મામલતદાર, કાયદાની જોગવાઈઓ અનુસાર રાજ્યની જમીન પરથી તમામ અતિક્રમણ દૂર કરશે અને તે મુજબ મહેસૂલ રેકોર્ડમાં નોંધ કરશે.' આ ઉપરાંત આદેશમાં વધુમાં જણાવાયું છે કે, 'રેકોર્ડ મુજબ, ફાળવેલ જમીન સંબંધિત કોઈ લીઝ કરાર કરવામાં આવ્યો નથી અને આજ સુધી લેહના મામલતદાર દ્વારા જમીનનું કોઈ ઔપચારિક હસ્તાંતરણ કે અધિકરણ કરવામાં આવ્યું નથી.' આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, 'જમીન ફાળવવાનો આદેશ 5 મે, 2019ના રોજ સમાપ્ત થઈ ગયો હતો અને તેને રદ માનવામાં આવે છે, કારણ કે આદેશ જાહેર થયાની તારીખથી એક વર્ષની અંદર લીઝ ડીડની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી.' આ મામલે સોનમ વાંગચુકનો સંપર્ક થઈ શક્યો નથી. તેમની સંસ્થા HIAL નો ઉદ્દેશ્ય લદ્દાખને પર્વત પ્રદેશો માટે એક ટકાઉ આર્થિક મોડેલ તરીકે વિકસાવવાનો છે, જ્યાં બાળકોને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાની શિક્ષણ મળે.