મકરસંક્રાંતિ 2026: 23 વર્ષ બાદ સર્જાશે 'મહાસંયોગ', જાણો દાન માટેના શુભ મુહૂર્ત

January 07, 2026

હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે સૂર્યદેવ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસથી સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં પ્રવેશતા હોવાથી તેને 'ઉત્તરાયણ' પણ કહેવામાં આવે છે. વર્ષ 2026ની મકરસંક્રાંતિ જ્યોતિષની દૃષ્ટિએ અત્યંત ખાસ રહેવાની છે.

23 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ

આ વર્ષે 14 જાન્યુઆરી, 2026ના રોજ મકરસંક્રાંતિની સાથે ષટતિલા એકાદશીનો અદભૂત સંયોગ બની રહ્યો છે. આવો સંયોગ પૂરા 23 વર્ષ પછી જોવા મળશે. મકરસંક્રાંતિ સૂર્યદેવની ઉપાસનાનો પર્વ છે, જ્યારે એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ શુભ યોગમાં પૂજા, દાન અને વ્રત કરવાથી અનેકગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

સ્નાન અને દાન માટેના શુભ મુહૂર્ત

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ વર્ષે પુણ્યકાળ અને મહાપુણ્ય કાળનો સમય નીચે મુજબ રહેશે...

સ્નાન-દાનનું મુહૂર્ત: સવારે 09:03થી સવારે 10:48 સુધી.

પુણ્ય કાળ: બપોરે 03:13થી સાંજે 05:45 સુધી.

મહાપુણ્ય કાળ: બપોરે 03:13થી સાંજે 04:58 સુધી.

ભૂલેચૂકે પણ ન કરો આ 5 ભૂલ

આ પવિત્ર દિવસે કેટલીક ભૂલો કરવાથી મળવાપાત્ર પુણ્ય ફળ નષ્ટ થઈ શકે છે. તેથી નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

- તામસિક ભોજનનો ત્યાગ: આ દિવસે લસણ-ડુંગળી કે વધુ મસાલેદાર ખોરાક ન લેવો જોઈએ.

- સ્નાન કર્યા વગર પૂજા: સૂર્યોદય પહેલા અથવા વહેલી સવારે સ્નાન કર્યા પછી જ પૂજા કરવી. સ્નાન કર્યા વિના પૂજા કરવી અશુભ મનાય છે.

- ક્રોધ અને વિવાદ: સંક્રાંતિ અને એકાદશી સંયમનો પર્વ છે. આ દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો કે કટુ વચનો ન બોલવા.

- મોડે સુધી ઊંઘવું: આ દિવસે મોડે સુધી ઊંઘવું કે આળસ કરવી અશુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સૂર્ય ઉપાસના કરવી હિતાવહ છે.

- અશુદ્ધ આચરણ: જો તમે વ્રત રાખ્યું હોય તો મન, વચન અને કર્મથી શુદ્ધ રહો. કોઈનું અપમાન કે જૂઠું બોલવાથી વ્રતનું ફળ મળતું નથી.

મકરસંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ

મકરસંક્રાંતિ સાથે જ 'ખરમાસ' (કમૂર્તા) સમાપ્ત થાય છે અને લગ્ન જેવા શુભ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને તલ, ગોળ, ખીચડી, વસ્ત્ર તેમજ અનાજનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. દેશભરમાં આ તહેવાર ખીચડી, ઉત્તરાયણ અને પોંગલ જેવા વિવિધ નામે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે.