ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા માણસા તાલુકાના 4નું તહેરાનમાં અપહરણ, ખંડણીની માગ

October 27, 2025

તહેરાન- ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા એક મહિલા સહિત 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. ચારેય લોકો ગાંધીનગરના માણસાના બાપુપુરા ગામના હોવાનું જણાય છે. સમગ્ર ઘટનામાં ભોગ બનનારને માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને કરોડો રૂપિયાની ખંડણીની માગ કરતાં પરિવારે 50 લાખ રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટના મામલે પરિવારે જાણ કરતાં સ્થાનિક ધારાસભ્યએ કેન્દ્ર સરકારને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. 
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા ત્યારે એમીરેટ્સ એરલાઈન્સ મારફતે દિલ્હીથી બેંગકોક, દુબઈ અને ઈરાનના તહેરાન લઈ જવામાં આવ્યા હતા. જેમાં તહેરાનના ઈમામમાં ખામેનીની ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ચારેય ગુજરાતીનું ટેક્સીમાં અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. 
એક મહિલા સહિત ચાર લોકોનું ઈરાનમાં અપહરણ કર્યા બાદ આરોપીએ અપહરણનો ભોગ બનનારા લોકોને મારતા હોવાનો વીડિયો વોટ્સએપમાં શેર કર્યો હતો અને બે કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.