ગુજરાતમાં મેઘમહેર: હવામાન વિભાગે 7 જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

August 19, 2025

હવામાન વિભાગે આજે રાજ્યના 7 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં સાંજે 4 વાગ્યા સુધી એલર્ટ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, હવામાન વિભાગે અન્ય 8 જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને મોરબીનો સમાવેશ થાય છે. આ સિવાય, રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં કુલ 4 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ભારે વરસાદની શક્યતા વધી છે. આગામી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે (20 ઓગસ્ટ) દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આગામી 22 ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને માર્ગ વ્યવહાર પણ પ્રભાવિત થઈ શકે છે, જેથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, કચ્છ સહિતના વિસ્તારોમાં  વરસાદી માહોલ જામ્યો છે. માંગરોળમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 82 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 12 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યું છે. તો બીજી તરફ વેરાવળમાં 6 ઇંચ અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાલાલા અને ઉનામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે.  રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 18 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 76.40 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.