વલસાડમાં મેઘતાંડવ: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાતાં પૂર જેવી સ્થિતિ

August 20, 2025

વલસાડ :  રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે આજે (20 ઑગસ્ટ) વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ શરુ કરતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 4.2 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 7.5 ઇંચ નોંધાયો છે. આ સિવાય પારડીમાં 4.7 ઇંચ અને વાપીમાં 4.6 ઇંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. ખાસ કરીને વાપી શહેરના નવા અને જૂના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉમરગામ તાલુકામાં પણ નાહુલી, સંજાણ અને ભિલાડના અંડરપાસ પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

વલસાડના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી છે. ડેમની સપાટી વધતાં સત્તાવાળાઓએ દમણગંગા નદીમાં 29,000 ક્યુસેકથી લઈને 1.22 લાખ ક્યુસેક સુધી પાણી છોડ્યું છે. સાંજે 5 વાગ્યે ડેમમાં 1.20 લાખ ક્યુસેકની આવક નોંધાતા, ડેમના 10 દરવાજા 2.5 મીટર સુધી ખોલીને 1.21 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમની સપાટી હાલમાં 76 મીટર પર પહોંચી છે.

વલસાડ જિલ્લા ઉપરાંત દાદરાનગર હવેલીમાં 6.1 ઇંચ અને દમણમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી કિનારાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.