MLA-MP ગુમ છે', નાનાચીલોડામાં પાણી-ખરાબ રોડને લઈને સ્થાનિકોનો વિરોધ

September 21, 2025

નાનાચીલોડામાં પાણી-ખરાબ રોડને લઈને સ્થાનિકોનો વિરોધ


અમદાવાદ : રાજ્યમાં ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર સહિતની પાયાની જરૂરિયાતથી વંચિત લોકો દ્વારા વિરોધ નોંધાવતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના નાનાચીલોડા ગામના સ્થાનિકો  પાણી-ખરાબ રોડને લઈને વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યો ગુમ થયા હોવાના ફોટા અને લખાણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદના નાનાચીલોડા ખાતે સ્થાનિકો ખરાબ રોડ-રસ્તા, ગટર અને પાણીને લઈને આજે (21 સપ્ટેમ્બર) વિરોધ પર ઉતર્યા હતા. 'કમળનું ફૂલ અમારી ભૂલ', 'ભારતીય જૂઠા પાર્ટી', 'રસ્તા તૂટેલા નેતા સૂતેલા' સહિતના પોસ્ટર સાથે વિરોધ નોંધાવી રહેલા સ્થાનિકોનું કહેવું છે કે, 'અમારે ખરાબ રોડ અને ગટર ઉભરાવવાની સમસ્યા છે અને ગામમાં પાણી પણ આવતું નથી.'


સરદારનગર વોર્ડમાં સમાવિષ્ટ કરવામાં આવેલા નાનાચીલોડાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, 'છેલ્લા પાંચ વર્ષમાં નાનાચીલોડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો થયા નથી.' આ મામલે લોકોએ સરદાર નગર વોર્ડના ભાજપના ચારેય કોર્પોરેટર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના અલ્પેશ ઠાકોર અને પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલના ફોટો પોસ્ટર સાથે સાંસદ-કોર્પોરેટર ગુમ હોવાનું કહીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.