4000થી વધુની ધરપકડ, પાકિસ્તાનમાં ફરી અરાજકતા, ઈમરાન ખાનના સમર્થકો ઊતર્યા માર્ગો પર

November 25, 2024

પાકિસ્તાનમાં મોટાપાયે અરાજકતા ફેલાઈ છે. એકતરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે તેમના સમર્થકો હિંસક દેખાવો કરી રહ્યા છે. તો બીજી તરફ સાંપ્રદાયિક તોફાનો પણ ફાટી નીકળ્યા છે. વધુમાં આતંકવાદી હુમલા પણ વધ્યા છે. પોલીસે 4000થી વધુ લોકોની ધરપકડ કરી છે. જેમાં સાંસદો પણ સામેલ છે. ઈમરાન ખાન પર 150થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેમાં ગુરૂવારે તોશાખાના કેસમાં જામીન મળ્યા હોવા છતાં તે જેલમાંથી મુક્ત કરવામાં ન આવતાં તેના પક્ષ  પાકિસ્તાન તહેરીક એ ઈન્સાફ (પીટીઆઈ) ના કાર્યકરો, સાંસદો અને નેતાઓએ દેખાવો કર્યા હતા.
4000થી વધુ સમર્થકોની ધરપકડ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે ઈસ્લામાબાદમાં હિંસા ફાટી નીકળી છે. ઈમરાન ખાનના સમર્થકો તેમની જેલમાંથી મુક્ત કરવાની માગ સાથે હિંસક દેખાવો કરી રહ્યા છે. પોલીસે આ મામલે 4000થી વધુ સમર્થકોની ધરપકડ કરી છે. તેમાં પાંચ સાંસદ પણ સામેલ છે. પંજાબ અને ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તૂનખ્વામાં મોબાઈલ-ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. ઈસ્લામાબાદને રેડઝોન જાહેર કરી બંધ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહના કુર્રમ જિલ્લામાં કોમી તોફાનો ફાટી નીકળ્યા છે. જ્યાં શિયા અને સુન્ની વચ્ચે કોમી હિંસામાં ત્રણ દિવસમાં 83 લોકો માર્યા ગયા છે, 150થી વધુ ઘાયલ છે. કુર્રમમાં 300થી વધુ પરિવારોએ પલાયન પણ કર્યા છે. ગત ગુરૂવારે (21 નવેમ્બર) 200 શિયા મુસ્લિમોને લઈ જતાં એક કાફલા પર ગોળીબાર થતાં 40થી વધુના મોત થયા હતાં. હુમલો સુન્નીએ કરાવ્યો હોવાના અહેવાલો સાથે જ બંને વચ્ચે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. સુન્ની બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં શિયા અને સુન્ની વચ્ચે વર્ષોથી લડાઈ ચાલી રહી છે.