સિક્કિમમાં કુદરતનો પ્રકોપ: મુશળધાર વરસાદ, ભૂસ્ખલનથી 9 મોત, 1200થી વધુ પ્રવાસી ફસાયા

June 15, 2024

હાલ સિક્કિમમાં અવિરત વરસાદના કારણે  ભૂસ્ખલનની સ્થિતિ છે. મંગન જીલ્લામાં વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં 15 વિદેશી નાગરિકો તેમજ 1200થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. શુક્રવારે એક અધિકારી દ્વારા આપેલી જાણકારી મુજબ ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે 9 લોકોના મોત થયા છે તેમજ મિલકતને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી, વીજળી, મોબાઈલ ટાવરને ભારે નુકસાન થયું છે. 

સિક્કિમ પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અગ્ર સચિવ સી એસ રાવે જણાવ્યું હતું કે, "રિપોર્ટ્સ મુજબ, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તા બ્લોક થવાથી લગભગ 1200 સ્થાનિક અને 15 વિદેશી પ્રવાસીઓ ફસાયા છે. જેમાં થાઇલેન્ડના બે, નેપાળના ત્રણ, બાંગ્લાદેશના 10 મંગન જીલ્લાના લાચુંગમાં ફસાયા છે. 

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલન બાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે મિન્ટોકગંગમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સિક્કિમમાં હાલ ભૂસ્ખલનની સ્થિતિ હોવાના કારણે સ્થાનિક અધિકારીઓએ ત્યાં ફસાયેલા પ્રવાસીઓને ત્યાંથી બહાર કાઢવાનું તેમજ જોખમ લેવાથી બચવાનું કહ્યું છે. ફસાયેલા પ્રવાસીઓ માટે પૂરતા પ્રમાણમાં રાશન છે. 

આ ઉપરાંત મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, મુખ્ય સચિવની કચેરીએ હવામાનની સ્થિતિના આધારે તમામ પ્રવાસીઓને હવાઈ માર્ગે લાવવા માટે કેન્દ્ર સાથે વાતચીત શરૂ કરી છે. જો જરૂર પડશે તો પ્રવાસીઓને પ્રવાસીઓને રોડ માર્ગે પણ બહાર કાઢવામાં આવશે અને વિભાગ સ્થાનિક પ્રવાસન હિતધારક તેમજ મંગનમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને પ્રવાસન અધિકારીઓ સાથે સંકલન કરીને ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહ્યું છે.

પ્રેમ સિંહ તમાંગે આ કુદરતી આફતમાં પ્રવાસીઓને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. હાલ સિક્કિમમાં એક માત્ર લાચુંગ સિવાય અન્ય તમામ ભાગ મુસાફરી માટે ખુલ્લા અને સલામત છે.