મહાવિકાસ અઘાડીમાં બળવો ! સપાએ અલ્ટીમેટમ આપી કહ્યું, પાંચ બેઠકો આપો

October 25, 2024

દિલ્હી : મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જ્યારે મહાવિકસ અઘાડીમાં હજી પણ બેઠકોની વહેંચણી મુદ્દે ખેંચતાણ જોવા મળ્યો છે. એક તરફ મહાગઠબંધનના ત્રણ મોટા પક્ષો- કોંગ્રેસ, એનસીપી (શરદ) અને શિવસેના (યુબીટી) એ 85-85 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ બાકીની બેઠકો પર અન્ય પક્ષોના દાવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. 


સમાજવાદી પાર્ટીએ MVAને એક દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સપાએ 5 બેઠકોની માંગણી કરી છે. જો આમ ન થાય તો I.N.D.I.A બ્લોક સિવાયની 25 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની ચીમકી આપી છે. સપાના મહારાષ્ટ્રના અધ્યક્ષ અબુ આસિમ આઝમીએ શુક્રવારે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે 5 બેઠકોની માંગણી કરી હતી અને તેનો જવાબ શનિવાર સુધીમાં આપી દેવાનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. આઝમીએ જણાવ્યું હતું કે, મેં 5 બેઠકો માંગી છે. તેમાં હાલની બે બેઠકો (ભિવંડી પૂર્વ અને માનખુર્દ) સમાવિષ્ટ છે. આ સિવાય ભિવંડી પશ્ચિમ, માલેગાંવ અને ધુલે શહેર માટે વધુ ત્રણ બેઠકોની માંગણી કરવામાં આવી છે. જો અમને આ બેઠકો મળે છે તો તેના પર જીત નિશ્ચિત છે. હું આવતીકાલે (શનિવાર) બપોર સુધી રાહ જોઈશ. તે પછી હું મારો નિર્ણય લઈશ. હું 25 ઉમેદવારોની જાહેરાત કરીશ. આઝમીએ જણાવ્યું હતું કે, ખુદ અખિલેશ યાદવે મને મહારાષ્ટ્રમાં નિર્ણય લેવાની સત્તા સોંપી છે. જો નવાબ મલિક ઈચ્છે તો તેઓ મારી વિરૂદ્ધ માનખુર્દ-શિવાજી નગરમાં ચૂંટણી લડી શકે છે. જો તમે લઘુમતીઓને પ્રતિનિધિત્વ નહીં આપો તો તેઓ ચૂંટણી લડશે અને તમારી સાથે હરિયાણા વાળી થશે.