જ્ઞાનવાપી કેસમાં હિન્દૂ પક્ષને ઝટકો, વારાણસી કોર્ટે સર્વેની માંગ કરતી અરજી ફગાવી

October 25, 2024

મુસ્લિમ પક્ષે હિંદુ પક્ષની અરજીનો કર્યો વિરોધ

વારાણસી : વિવાદાસ્પદ જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટે હિંદુ પક્ષને ઝટકો આપતો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેકે હિંદુ પક્ષની અરજી ફગાવી દીધી છે. હિંદુ પક્ષે જ્ઞાનવાપીના મુખ્ય ગુંબજ નીચે શિવલિંગ હોવાનો દાવો કરીને ખોદકામ કરાવી ASI સરવે કરવાની માંગ કરી હતી. જોકે બીજીતરફ મુસ્લિમ પક્ષે હિંદુ પક્ષની અરજીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, ખોદકામ કરવાથી મસ્જિદ સ્થળને નુકસાન થઈ શકે છે.


ઘણા વર્ષોથી જ્ઞાનવાપી મસ્જિદ મામલે ભારે વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 1991માં જ્ઞાનવાપી મસ્જિદ પર માલિકી હક્ક માટે હરિહર પાંડે, સોમનાથ વ્યાસ અને રામરંગ શર્મા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. લગભગ બે દાયકાથી ચાલી રહેલી સુનાવણી બાદ હિંદુ પક્ષ દ્વારા વારાણસીની સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બે માંગણી રાખવામાં આવી. હિંદુ પક્ષની માંગ હતી કે, વજુખાનાનો ASI સર્વે કરાવવો જોઈએ, જેથી એ જાણી શકાય કે ત્યાં ખરેખર શિવલિંગ છે કે ફુવારો... હિન્દુ પક્ષનો દાવો છે કે, મસ્જિદના મુખ્ય ગુંબજની નીચે 100 ફૂટનું શિવલિંગ છે. આવી સ્થિતિમાં મસ્જિદની રચનાને નુકસાન પહોંચાડ્યા વિના ખોદકામ કરવું જોઈએ, જેથી શિવલિંગનો દાવો જાણી શકાય. હિંદુ પક્ષ માટે કોર્ટનો રસ્તો સરળ નથી, કારણ કે તેની પાછળ સુપ્રીમ કોર્ટના નિર્દેશો છે. વાસ્તવમાં વજુખાનાને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સીલ કરવામાં આવ્યું છે.