કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ બનશે': પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ઘટના

December 07, 2025

અમદાવાદ: શાહપુરની આંબલીવાળી પોળમાં 75 વર્ષ પહેલાં, 21 મે, 1950 ના રોજ, શાસ્ત્રીજી મહારાજે યુવાન સંત પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. આ અલૌકિક ઘટનાનો 'પ્રમુખ વરણી અમૃત મહોત્સવ' આજે રવિવારે 7 ડિસેમ્બરે સાબરમતી રિવરફ્રન્ટ પર ઉજવાયો હતો. આ ક્ષણના સાક્ષીએ આજે ભાવ વિભાર થઈ 75 વર્ષ પહેલા બનેલી અચરજ પમાડે તેવી ઘટનાનું વર્ણન કર્યું હતું. 
પ્રમુખસ્વામી સંસ્થાના પ્રમુખ બન્યા તે ઐતિહાસિક ક્ષણના સાક્ષી નવનીતભાઈ હાલ લંડન રહે છે. નવનીતભાઈ પટેલે ભાગ્યશાળી વ્યક્તિઓમાંથી એક છે, જેઓ દાયકાઓ પછી પણ તે દિવસને યાદ કરી શકે છે. 1950માં તેઓ માત્ર 10 વર્ષના હતા. નવનીતભાઈએ તે દિવસનું વાતાવરણ વર્ણવતા કહ્યું: "અમે નાના હતા એટલે પાછળ ઊભા હતા અને આગળ વડીલ સંતો અને હરિભક્તો બેઠા હતા. બાબા કાકાના ઘરમાં જગ્યા ઓછી હતી. સૌના મનમાં એક જ સવાલ હતો કે હવે સંસ્થાની ધૂરા કોને સોંપાશે."
નવનીતભાઈએ વધુમાં કહ્યું કે, કોઈને પણ વિશ્વાસ નહોતો કે શાસ્ત્રીજી મહારાજ માત્ર 28 વર્ષના યુવાન સંત, પ્રમુખ સ્વામીને આ જવાબદારી આપશે, કારણ કે બીજા વડીલ સંતો પણ ઉપસ્થિત હતા. પ્રમુખ સ્વામીને તો પોતે પણ એવું જ લાગતું હતું કે તેમને નહીં, પણ કોઈ વડીલ સંતને આ પદ મળશે. પણ શાસ્ત્રીજી મહારાજે પહેલાથી જ આ નક્કી કરી રાખ્યું હતું. શાસ્ત્રીજી મહારાજ ઊભા થયા અને કોઈને કંઈ પૂછ્યા વગર સીધી પ્રમુખ સ્વામીને ચાદર ઓઢાડી દીધી. આ અણધારી વરણી બાદ તરત જ, પ્રમુખસ્વામી સંસ્થાના પ્રમુખ બન્યા પછી પણ, વાસણ ઘસવાની સેવામાં લાગી ગયા હતા."આ ઘટના પ્રમુખસ્વામી મહારાજના નિરભિમાની, સેવાભાવ અને પદ પ્રત્યેની નિસ્પૃહતાને દર્શાવે છે, જે તેમના જીવનના 95 વર્ષ સુધી લાખો લોકોએ અનુભવી છે.