હવે ગુજરાતની 26 નહીં 25 બેઠકો પર જ યોજાશે ચૂંટણી, ભાજપે કહ્યું- 'સુરતથી થયો જીતનો શુભારંભ'

April 22, 2024

સુરત   : ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની જીત થઈ છે. સુરતમાં બે દિવસ ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આજે લોકસભામાં ભાજપે પહેલી જીત નોંધાવી છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને ભાજપે વાંધા અરજી દાખલ કરી હતી. ત્યારબાદ નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. સુરતમાં લોકસભા બેઠક પર કોંગ્રેસના લોકસભા ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં અપક્ષ અને અન્ય પાર્ટીના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેમાંના એક બસપા ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ પરત ખેંચ્યું હતું. જેને લઈને સુરત બેઠક પર ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. નોંધનીય છે કે, ગુજરાતની 26 બેઠકમાંથી હવે 25 બેઠક પર જ ચૂંટણી યોજાશે. 

સુરતમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. બસપા સહિતના તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. આમ, ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચ્યો છે. જ્યારબાદ ભાજપના નેતાઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, પૂનમબેન માડમ અને કિરીટ પરમારે શુભેચ્છા પાઠવી છે. તો કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું કે, 'કોંગ્રેસની ભૂલનું આ પરિણામ છે.' તો પરેશ ધાનાણીએ કહ્યું કે, સુરતની પહેલી ઘટના નથી અને છેલ્લી પણ નથી. 

સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થવા પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું.

મુકેશ દલાલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, 'સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભાજપના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 'અબકીબાર ચારસો પાર'નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે.'

સુરત લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે બપોર સુધી કોગ્રેસના ઉમેદવારના ફોર્મને લઇને ધમાચકડી ચાલ્યા બાદ સુરત જિલ્લા કલેકટરે કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનુ ફોર્મ રદ કર્યું હતું. આ ફોર્મ રદ થતા જ ફોર્મ ચકાસણીની પ્રકિયા પણ પૂર્ણ થઈ છે. 

સુરત લોકસભાની ચૂંટણીના 73 વર્ષના વર્ષના ઈતિહાસમાં આ વર્ષે 18મી વખત યોજાનારી ચૂંટણી મતદારો, રાજકીય પક્ષો માટે હંમેશા એટલા માટે યાદ રહેશે કેમ કે 73 વર્ષમાં મુખ્ય પક્ષ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. આ દિવસ કોગ્રેસ માટે કાળો દિવસ ગણાશે તેવો કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે. વર્ષ 1951થી ચૂંટણી યોજાઈ રહી છે અને 2019 સુધી 17 વખત ચૂંટણી યોજાઈ તેમાં કોગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. પરંતુ 1951 પછી પ્રથમ વખત એવુ બનશે કે કોગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં. આ નામોશી માટે કોણ જવાબદાર? તે ચર્ચાનો વિષય બન્યો છે.