જૂની પેન્શન યોજના: જાહેરાતના બે મહિના બાદ આખરે સરકારે બહાર પાડ્યો ઠરાવ

November 08, 2024

ગાંધીનગર ઃ જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ આંદોલન બાદ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની જાહેરાત તો કરી હતી, પરંતુ બે મહિના વિત્યા છતાં સત્તાવાર જાહેરાત ન કરાતા સરકારી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, આજે શુક્રવારે (8 નવેમ્બર) રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. 
રાજ્ય સરકારના નાણા વિભાગે જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જૂની પેન્શન યોજનાના ઠરાવમાં 1 એપ્રિલ, 2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓને તેનો લાભ મળશે. રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના અધિકારી અને કર્મચારી તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક તા. 01/04/2005 પછીની હોય તેવા 60 હજારથી વધુ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.