ધનતેરસની સંધ્યાએ ધનકુબેરની આ રીતે કરો પૂજા, લક્ષ્મીજી પધારશે

October 22, 2022

આપણે ત્યાં રમા એકાદશીથી તહેવારોની શરૂઆત થઇ જાય છે. એકાદશી, વાક બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નવુ વર્ષ, ભાઇબીજ આમ સળંગ તહેવારો આવે છે. ધનતેરસે દરેક ઘરમાં ખાસ પૂજા કરવામાં આવે છે.

ધનતેરસની સંધ્યાએ આ પૂજાવિધિ કરવાની હોય છે. તેમાં સૌપ્રથમ સ્નાન કરીને પીળાં વસ્ત્ર, ધોતી પહેરવી. આ પૂજા સજોડે કરવાની હોય છે ત્યારબાદ ઉત્તર દિશામાં શુદ્ધ જળથી જગ્યાને સાફ કરી રંગોળી કરવી ને તેની ઉપર એક બાજોઠ મૂક્વો. બાજોઠ ઉપર લાલ અથવા પીળું વસ્ત્ર પાથરવું.ત્યારબાદ ચોખાની બે ઢગલી કરવી અને તેમાં આપણી જમણી બાજુ લક્ષ્મીજીની મૂર્તિ અને ડાબી બાજુ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવું.

જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અને અગરબત્તી કરવી. બાજોઠ ઉપર એક તાંબાના અથવા ચાંદીના પાત્રમાં, ચાંદીના સિક્કા, ચલણી નાણું સાથે રાખવું. એક ચાંદીથી થાળીમાં અથવા કોઈપણ થાળીમાં લક્ષ્મી-ગણેશની મૂર્તિ મૂકવી. સાથે ચાંદીના સિક્કા અને ચલણી નાણું મૂકવું.હવે પહેલાં પંચામૃતથી ગણેશજીને સ્નાન કરાવવું.આ વખતે ગણેશ અથર્વ શીર્ષમનો પાઠ બોલવો.

ત્યારબાદ લક્ષ્મીજીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું અને શ્રી સૂક્તનો પાઠ બોલી અભિષેક કરવો.સાથે ચલણી નાણાંને પણ અભિષેક કરવો. ત્યારબાદ શુદ્ધ જળથી ધોઈને તે બંને મૂર્તિ અને નાણું શુદ્ધ કપડાથી સાફ કરીને બાજોઠ ઉપર સ્થાપન કરવું. ત્યારબાદ અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલ અર્પણ કરવાં અને મનમાં પ્રાર્થના કરવી કે ધન-ધાન્યની પ્રાપ્તિ થાય.

હવે તેર કોડિયાંમાં ઘી ભરીને ઊભી વાટના દીવા કરવા. તેમાં એક દીવો ધન્વંતરિ ભગવાનને અર્પણ કરવો, બીજો દીવો કુબેરજીને અર્પણ કરવો. ત્રીજો દીવો યમદેવને અર્પણ કરવો.ચોથો મહાલક્ષ્મી અને પાંચમો ગણેશજીને અર્પણ કરવો. બાકીના આઠ દિવાને આઠ દિશાના દેવને અર્પણ કરવા અને પછી કમળકાકડીથી પૂજા કરવી.વાસ્તુદોષમાંથી મુક્તિ મળે.આરોગ્ય સારું રહે.

ધનતેરસના દિવસે એવું કહેવાય છે કે કુબેરજીને એકાક્ષી કહેવાતા, તેમને એક આંખ ન હતી. તેથી આ દિવસે અંધ વ્યક્તિને દાન આપવાથી કુબેરજી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ દિવસે કુબેર પોટલી બનાવવી અને તેમાં 2 નંગ કોડી, 11 નંગ કમળકાકડી, 1 નંગ ગોમતી ચક્ર, 11 કાળી ચણોઠી, 11 લાલ ચણોઠી, 11 સફેદ ચણોઠી, 1 કાળી હળદર, 11 નંગ આખાં મરી, 2 સોપારી, આ નવ વસ્તુ ભેગી કરીને લાલ કલરના કપડામાં બાંધી પૂજા કરીને તિજોરીમાં સ્થાપન કરવું.