આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવ દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ પાંચ કામ

April 09, 2024

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજથી હિન્દુ નવું વર્ષ પણ શરૂ થયું છે. આ ચૈત્રી નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાની પૂજા વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે અને મનોકામના પૂર્ણ થાય છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ નિયમોનું પાલન કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે અને માતાના આશીર્વાદ બની રહે છે. ચાલો જાણીએ આ નિયમો વિશે.

નવરાત્રિના 9 દિવસ દરમિયાન ભૂલથી પણ તામસિક અને માંસાહારી ભોજન ન લેવું જોઈએ. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના નશાથી દૂર રહેવું જોઈએ. તમે આ 9 દિવસો દરમિયાન સાત્વિક આહારનું સેવન કરી શકો છો. સિંઘોડાનો લોટ, દૂધ, સાબુદાણા, ફળોનું સેવન કરી શકો છો.

નવરાત્રિમાં વાળ અને નખ કાપવાનું ટાળવું જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. નવરાત્રી પૂરી થયા બાદ તમે વાળ, દાઢી અને નખ કાપી શકો છો. ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ વાતનું ધ્યાન રાખો કે 9 દિવસ સુધી કાળા કપડા ન પહેરવા કે ન ઉપયોગમાં લેવા. તેને અશુભ માનવામાં આવે છે. તમે લાલ કપડાંનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ચામડાની બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ.