હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું છે કારણ? જાણો પૌરાણિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ

March 23, 2024

હોળી માત્ર એક તહેવાર કે પરંપરા નથી, પરંતુ આ પર્યાવરણથી લઇને તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હોળી ઉજવવાનું ધાર્મિક કારણ તો છે જ, પરંતુ શું તમે તેનું વૈજ્ઞાનિક કારણ પણ જાણો છો? 

હોળીનો તહેવાર વર્ષમાં એવા સમયે આવે છે, જ્યારે વાતાવરણમાં પલટો થવાને કારણે લોકો આળસુ બની ગયા હોય છે. ઠંડીમાંથી ગરમ વાતાવરણ થવાને કારણે શરીરમાં થોડોક થાક અને સુસ્તીનો અનુભવ થવો તે કુદરતી છે. શરીરમાંથી આ સુસ્તીને દૂર ભગાડવા માટે જ લોકો ફાગણની આ ઋતુમાં જોરશોરથી હોળી પર્વની ઉજવણી કરે છે. 

આથી હોલિકા દહનની પરંપરા સાથે જોડાયેલા તથ્યની વાત કરીએ તો શરદ ઋતુની સમાપ્તિ અને વસંત ઋતુના આગમનનો આ સમય પર્યાવરણ અને શરીરમાં બેક્ટેરિયાની વૃદ્ધિમાં વધારો કરે છે પરંતુ હોલિકા દહનથી લગભગ 145 ડિગ્રી ફેરનહિટ સુધી તાપમાન વધે છે. આથી પરંપરા અનુસાર જયારે લોકો હોળીની પરિક્રમા કરે છે ત્યારે  હોળીમાંથી નિકળતી ગરમી શરીર અને આસપાસના પર્યાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરી દે છે અને આ પ્રકારે તે શરીર તથા પર્યાવરણને સ્વચ્છ કરે છે. તેમજ દક્ષિણ ભારતમાં હોળી ઓલવાય ગયા બાદ તેની રાખને વિભૂતિ તરીકે પોતાના માથા પર લગાવે છે અને સારા સ્વાસ્થ્ય માટે તેઓ ચંદન તથા આંબા પરના મોરને મિક્સ કરીને સેવન કરે છે. 

તેમજ હોળી બાદ લોકો પોતાના ઘરમાં સાફ-સફાઇ કરે છે જેનાથી ધૂળ, મચ્છરો અને અન્ય કીટાણુઓ દૂર થાય છે. એક સાફ-સ્વચ્છ ઘર સામાન્ય રીતે ઘરમાં રહેતા લોકોને સકારાત્મક ઉર્જા આપે છે. 

શ્રીમદ ભાગવતના સાતમા સ્કંધમાં હરિણ્યકશિપુની કથા આવે છે. તેણે ઉગ્ર તપ કરીને બ્રહ્માજી પાસેથી અજર અમર થઈ એકછત્ર રાજ કરી શકાય એવું વરદાન માંગ્યું હતું. બ્રહ્માજીએ વરદાન આપતી વખતે તેને 'અસૂર શ્રેષ્ઠા - નું સંબોધન કર્યું હતું. અસૂર એટલે હલકો-નીચ માણસ. દૈત્ય, દાનવ કે રાક્ષસ. વરદાન મેળવીને તેણે દિશાઓ, ત્રણેય લોક, દેવો, દૈત્યો, ગાંધર્વો, પ્રેત, ભૂપતિ અને લોકપાલોનું સ્થાન પડાવી લીધું હતું. તેના અત્યાચારોથી સૌ ત્રાસી ગયા હતા. ત્યારે બ્રહ્માજીએ આશ્વાસન આપ્યું હતું. 'આ અસૂરની દુષ્ટતાને હું પહેલેથી જાણું છું. ગભરાશો નહિ, થોડી રાહ જુઓ. હું તેને ખતમ કરી દઈશ.' (ભાગવત. ૭/૪/૨૬)

હિરણ્યકશિપુને ત્રણ પુત્રો હતા. ચોથા સૌથી નાના પુત્ર તરીકે પ્રહલાદનો જન્મ થયો. આવા નાસ્તિક અસૂરને ઘેર આસ્તિકનો જન્મ થાય ખરો ? પણ થયો ! જો કે જન્મથી કોઈ આસ્તિક ને નાસ્તિક નથી હોતું. સીધે સીધો આસ્તિક તરીકે કોઈનો જન્મ થતો નથી. આસ્તિકતાના શિખરે પહોંચવા નાસ્તિકતાના પગથિયાં ધીરે ધીરે ચઢવાં પડે છે. ઈશ્વર વિષે જાણવાની ભૂખ જાગે, થોડી શ્રધ્ધા જાગે, થોડી શંકા થાય. જીવ ' હશે-નહિ હોયલ્લનું સમાધાન શોધે, મૂંઝવણ અનુભવાય, મનમાં રહસ્ય ઘેરાતું જાય, આવી મન:સ્થિતિમાં જીવને તાલાવેલી જાગે ત્યારે માણસ આસ્તિક બને છે. 

દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના બે પુત્રો હતા. શંડ અને અમર્ક, એ બન્ને દૈત્યાંના બાળકો સાથે પ્રહલાદને ભણાવતા. પ્રહલાદને આસુરી જ્ઞાન પચતું નહોતું. તેમનું ધ્યાન શ્રીહરિમાં જ રહેતું. તે પળેપળ ભગવાન શ્રીવિષ્ણુનું રટણ કરતા. શંડ અને અમુક પ્રહલાદની આવી આસ્તિક રીતભાતથી કંટાળી ગયા. છેવટે તેમણે રાની  હરિણ્યકશિપુને વાત કરી. હરિણ્યકશિપુએ પુત્રને ખોળામાં બેસાડી વહાલ કરતાં કરતાં સમજાવ્યો. પણ પ્રહલાદજીએ એવી દલીલો કરી કે પિતા સમસમી ગયા. તેને થયું "આ શું ?" મારા ઘરમાં,... એક અસૂરના ઘરમાં જ મારા કટ્ટર વિરોધી વિષ્ણુનો ભક્ત ક્યાંથી પેદા થઈ ગયો ! "જોકે આવું બને છે. નાસ્તિકતાના ગર્ભમાંથી જ આસ્તિકતા પેદા થાય છે. પિતા પોતાના જ અંશથી શેહ ખાઈ ગયો. આવા નાના બાળકથી વળી શું ગભરાવાનું? જો કે તેની ગભરામણ પુત્ર પ્રહલાદની નહોતી. પ્રહલાદમાં દેખાતી આસ્તિકતાની હતી. ખોટા માણસોની વચ્ચે સાચો માણસ આવી જાય તો ખોટા ડરે છે. અસત્યની સામે સત્ય આવીને ઊભું રહે તો અસત્યની હાર થાય છે.  

હિરણ્યકશિપુને પોતાનું એકચક્રી શાસન ડગમગતું લાગ્યું ત્યારે તેણે પ્રહલાદને ખતમ કરવાના પેંતરા શરૂ કર્યા. વિચારવા જેવું છે. નાસ્તિકતાને પોતાનું અસ્તિત્વ ભૂંસાતું લાગે ત્યારે તે લોહીના સંબંધની ગરિમા પણ ભૂલી જાય છે. ત્રિશુળના ઘા કર્યા. હાથીના પગ નીચે કચડાવ્યો. ઝેરી સાપનો દંશ દીધો. ઝેર પીવડાવ્યું. ઊંચા પર્વતની ટોચ પરથી ખીણમાં ગબડાવ્યો. બહેન હોલિકાના (જે ખુદ અગ્નિ સ્વરૂપ હતી) ખોળામાં બેસાડી રાખ કરવા પ્રયત્ન કર્યો પણ વિષ્ણુ ભક્ત પ્રહલાદને ઊની આંચ ના આવી. જ્યારે ધાર્મિક વ્યક્તિ મનથી સંપૂર્ણ સમર્પિત હોય ત્યારે દુનિયાની કોઈ તાકાત તેને મારી શકતી નથી. મીરાંને પણ ઝેર આપવામાં આવ્યું હતું. પણ કહેવાય છે કે નિર્બળનું બળ રામ હોય છે. નિર્બળ દેખાતા ભક્તમાં જે શક્તિ દેખાય છે તે તેની નહિ ઈશ્વરની હોય છે. જ્યારે માણસ એમ માને કે 'હે ઈશ્વર, હવે મારી કોઈ હસ્તી નથી. અંદર બહાર સર્વત્ર તું જ છે.લ્લ ત્યારે તે ભક્ત બને છે. એવો ભક્ત કદી મૂંઝાતો નથી, ચિંતા કરતો નથી. દુઃખી થતો નથી. તે માને છે કે ''હું ચોટ ખાઈશ તો મને નહિ એને વાગશે. હું જીતીશ તો એ જીતશે. હું હારીશ તો એ હારશે. હું મરીશ તો એ મરશે !" ભક્ત પછી સંસારી રહેતો નથી. પરમાત્મા સાથે તદાકાર થઈ જાય છે. આત્મા અને પરમાત્મા વચ્ચેથી બધું જ હરી જાય છે. જરાય અંતર રહેતું નથી. ના કોઈ ખ્વાહિશ, ના કોઈ વાસના ! બસ હરિનું નામ.

હિરણ્યકશિપુ અને પ્રહલાદ આપણા અંતરમાં ઊઠતી ભાવનાઓનું પ્રતિક છે. ઈન્દ્રિયો ઈચ્છાની હઠ કરે ત્યારે સમજવું હિરણ્યકશિપુ છે. શ્રધ્ધા અને આસ્થા જાગે ત્યારે સમજવું પ્રહલાદ હાજર છે. આંતરખોજ કરનાર જાણે છે કે દેવવૃત્તિ અને દૈત્યવૃત્તિ સામસામે આવે ત્યારે જે જીતે એ તરફનું વલણ માણસ આસ્તિક છે કે નાસ્તિક એની જાણ કરે છે. એકવાર ઈશ્વરના સાન્નિધ્યનો જેણે સ્વાદ ચાખી લીધો હોય પછી એ લાચાર નથી હોતો.

નાસ્તિકતાના ખોળામાં આસ્તિકતાને બેસાડી ભલે ચારેબાજુ ભડભડતો અગ્નિપેટાવો આસ્તિકતા હેમખેમ બહાર આવે જ. હોળી એટલે નાસ્તિક સામે આસ્તિકનો વિજય. આ ધારણા જ હોળીના દિવસને રંગીન ઉત્સવમાં ફેરવી દે છે. હોળીનો દિવસ એટલે અબીલગુલાલ, રંગ, મસ્તી, હાસ્ય, ઉલ્લાસ અને આનંદનો દિવસ.