ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ પાકિસ્તાની નાગરિકને 2 વર્ષની સજા,

October 10, 2025

ભુજ- ભારતની જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ ભુજની શેસન્સ કોર્ટે પાકિસ્તાની નાગરિકને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આરોપી સરહદથી 100 મીટર અંદર ભારતીય જળસીમામાં પ્રવેશ્યો હતો. કોર્ટે આરોપીને પાસપોર્ટ એક્ટ 1920, ફોરેનર્સ એક્ટની કલમ 14(A)(b) અને જીપી એક્ટની કલમ 120 હેઠળ દોષિત ઠેરવ્યો હતો.

કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે આરોપી બાબુ આલુ ઈલ્યાસ આફત (22) પાકિસ્તાની નાગરિક હોવાથી સજા પૂરી થયા બાદ જેલર આરોપીને મુક્ત કરશે નહિ. આ પછી ભારત-પાકિસ્તાન વચ્ચેના કરારને આધિન નિયમો અને શરતો મુજબ ભારત સરકાર યોગ્ય નિર્ણય લેશે અથવા આગળની કોઈ પ્રક્રિયા કરશે. કોર્ટે ભુજની પાલારા જેલના જેલરને આરોપીની કસ્ટડી કચ્છ-ભુજના એસપીને સોંપવાનો નિર્દેશ કર્યો હતો.


સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી અને પુરસીસ દાખલ કરી કોર્ટને જણાવ્યું હતું કે તે કોઈપણ ઇરાદા વિના ભૂલથી ભારતના હદક્ષેત્રમાં પ્રવેશી ગયો હતો. આરોપીએ પોતે કરેલા ગુના માટે માફી માગી હતી.

ફરિયાદ પક્ષ તરફથી હાજર રહેનાર વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો સફળતાપૂર્વક સાબિત કરવામાં આવ્યો છે. આરોપી પાકિસ્તાની છે અને તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હતો..આ પ્રકારના કૃત્યને ખુબ જ ગંભીર ગુનાની શ્રેણીમાં ગણવામાં આવે છે. તેથી તેમણે રજૂઆત કરી હતી કે ગુનાના પ્રકારને ધ્યાનમાં રાખીને આરોપી પર સજા લાદવી જોઈએ.