પારડી વિદ્યાર્થિની દુષ્કર્મ-હત્યા કેસ: આરોપી નીકળ્યો સિરિયલ કિલર

December 03, 2024

વલસાડ- પારડીમાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ વધુ એક હત્યાનો ખુલાસો કર્યો છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 6 હત્યાના ભેદ ઉકેલાયા છે. જેમાં આરોપીએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન જ હત્યા કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. 


વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં 14 નવેમ્બરના રોજ ટ્યુશનની ઘરે પરત ફરતી કોલેજની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે 10 વધુ ટીમ બનાવી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન આખરે 10 દિવસ બાદ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે તેમજ આ ગુનામાં આરોપીએ અનેક મોટા ઘટસ્ફોટ પણ કર્યાં છે. સમગ્ર ઘટનામાં પોલીસે મૂળ હરિયાણાના રાહુલ સિંગ જાટ નામના આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

પોલીસની પૂછપરછમાં આરોપીએ 25 દિવસમાં જ પાંચ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં આરોપીએ અન્ય ત્રણ મહિલાઓ સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હોવાનો પણ ખુલાસો થયો હતો. આરોપી 10 દિવસના રિમાન્ડ હેઠળ હતો. આ દરમિયાન પણ અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે. જે મુજબ આરોપીએ જૂન મહિનામાં વડોદરાના ડભોઇમાં એક યુવકની હત્યાના ગુનાનો પણ ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીએ જૂન મહિનામાં ટ્રેનમાં પોતાની સાથે મુસાફરી કરતાં એક ફૈયાઝ શેખ નામના યુવકની લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું પણ બહાર આવ્યો હતો. જેથી, પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આરોપી રાહુલ દિવ્યાંગ હોવાથી ટ્રેનમાં દિવ્યાંગના સ્પેશિયલ કોચમાં મુસાફરી કરતો હતો. આ દરમિયાન ટ્રેનમાં જ મુસાફરી કરતી વખતે અન્ય મુસાફરની લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની અને ત્રણ મહિલાઓ પર દુષ્કર્મ બાદ તેમની હત્યા કરી હોવાનો પણ પોલીસ સામે ખુલાસો કર્યો હતો. અત્યાર સુધી આરોપી પર 13 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને અનેક વાર જેલના સળિયા પણ ગણી ચૂક્યો છે.